તેલ અવીવ: આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દુનિયાના કેટલાક દેશો કોરોના સામે ઝડપથી જીત મેળવી રહ્યા છે. ત્યારે ઇઝરાયેલે પણ કોરોના સામે મોટી સફળતા મેળવી છે. ઇઝરાયેલે એક વર્ષ પછી હવે ઘરમાંથી બહાર નીકળવા માટે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ હટાવી દીધો છે. દેશમાં રસી મેળવવા માટે લાયક 80 ટકા જનતાને કોરોનાની વેક્સીન લગાવી દીધા બાદ ઈઝરાયેલ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. ઇઝરાયેલ તરફથી રવિવારે ફરજિયાત માસ્કના નિયમને રદ કરાયો હતો. આ પગલાને ઇઝરાયેલની કોરોના સામે મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
ઇઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રી યૂલી ઇડેલસ્ટેઇને ગુરુવારે કહ્યુ કે, ઇઝરાયેલમાં વેક્સીન લગાવ્યા બાદ કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઓછું થઈ ગયું છે. આથી હવે પ્રતિબંધોમાં છૂટ આપવાનું શક્ય બન્યું છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે, હાલ ઑફિસની અંદર માસ્ક પહેરી રાખવું પડશે.
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે 93 લાખની વસ્તી ધરાવતા ઇઝરાયેલમાં અત્યારસુધી 50 લાખ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. વેક્સીન લગાવવાને કારણે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા અને મોતના આંકડા ઓછા થઈ ગયા છે.
દેશના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂએ ફાઇઝરને મેડિકલ ડેટા જાહેર કરવાની શરતે મોટી સંખ્યામાં કોરોના વેક્સીન મેળવી હતી. ઈઝરાયેલ કોરોના વેક્સીનના પ્રભાવનો ડેટા હાલ ફાઇઝરને આપી રહ્યું છે.
કોરોના વેક્સીન લગાવવાને પગલે ઇઝરાયેલમાં હાલત ખૂબ બદલી ગઈ છે. જાન્યુઆરીના મધ્ય ભાગમાં જ્યારે ઇઝરાયેલમાં દરરોજ 10 હજાર કેસ સામે આવી રહ્યા હતા ત્યારે હવે ફક્ત 200 કેસ સામે આવે છે. આથી જ ઇઝરાયેલ તરફથી પ્રતિબંધોમાં ખૂબ છૂટ આપવામાં આવી છે.
જોકે, નિયમોમાં છૂટ પછી પણ કોરનાના ખૂબ ઓછા કેસ સામે આવી રહ્યા છે. જોકે, વિદેશમાંથી ઇઝરાયેલ આવી રહેલા લોકો પર કડક નિયંત્રણ ચાલુ જ રહેશે.