ભાગેડૂ આરોપી વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામા આવશે તે હજુ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. બ્રિટિશ હાઇ કમિશ્નર સર ફિલિપ બાર્ટને ગુરૂવારે કહ્યું કે બ્રિટન સરકાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે સમયસીમા નિર્ધારિત ન કરી શકે. જોકે તેમણે ભરોસો આપ્યો હતો કે ગુનેગાર તેમના દેશની બહાર ક્યાંય નહીં જાય. એક ઓનલાઇન મીડિયા બ્રીફીંગ દરમિયાન બાર્ટનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું માલ્યાએ બ્રિટનમાં શરણ માંગી છે? તેના જવાબમાં બાર્ટને કહ્યું કે તેમની સરકાર આ પ્રકારના મુદ્દાઓ અંગે ટિપ્પણી કરતી નથી. બ્રિટિશ સરકાર અને કોર્ટ તેમની ભૂમિકાઓ અંગે બિલકુલ સ્પષ્ટ છે. બાર્ટને કહ્યું- બ્રિટિશ સરકાર અને કોર્ટ તેમની ભૂમિકાથી પરિચિત છે. અમે એ નિર્ધારિત કરીએ છીએ કે ગુનેગાર દેશની સીમાઓ પાર કરીને ન્યાયપ્રક્રિયાથી ભાગી ન જાય. માલ્યાનું પ્રત્યાર્પણ એક કાયદાકીય કેસ છે, જે ચાલી રહ્યો છે. બ્રિટનની સરકાર પાસે તે અંગે કંઇ નવું કહેવા જેવું નથી. સરકારને એ પણ ખબર છે કે ભારત માટે આ કેસ કેટલો અગત્યનો છે.