વર્ષ 1947માં જ્યારે ભારતનું વિભાજન થયુ ત્યારે પંજાબ પણ બે ભાગમાં વહેચાઈ ગયુ હતું. પંજાબનો એક હિસ્સો ભારતમાં રહ્યો અને બીજો હિસ્સો પાકિસ્તાનમાં. વિભાજન બાદ પાકિસ્તાનના હિસ્સામાં જે પંજાબ આવ્યુ તેમાંથી મોટાભાગના લોકો ભારત પરત આવી ગયા હતા. કેટલાક એવા લોકો પણ હતા કે જે પાકિસ્તાનમાં જ રહ્યા હતા. આ પંજાબમાં એક જગ્યા છે નનકાના સાહિબ. આ એ જગ્યા છે કે જ્યાં શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવનો જન્મ થયો હતો. નનકાના સાહિબ છેલ્લા એક વર્ષથી અન્ય એક કારણથી ચર્ચામાં છે. આ કારણ જગજીત કૌર નામની છોકરી છે.
જગજીત કૌર એ છોકરી છે કે જેના પરિવારે મોહમ્મદ હસન નામની વ્યક્તિ પર દિકરીનું બળજબરીપૂર્વક અપહરણ કરવા, લગ્ન કરવા તથા ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો હતો. પરિવારનું કહેવુ છે કે મોહમ્મદ હસને લગ્ન બાદ જગજીત કૌરનો ધર્મ પરિવર્તન કરી તેને મુસ્લિમ બનાવી દીધી હતી. એટલુ જ નહીં તેનું નામ પણ બદલીને આયશા રાખી દીધુ હતુ. ગયા વર્ષે પરિવાર તરફથી લગાવવામાં આવેલા આરોપ બાદ પોલીસે મોહમ્મદ હસનની ધરપકડ કરી હતી અને જગજીત ઉર્ફે આયશાને હાલોરના દાર-ઉલ-અમન એટલે કે શેલ્ટર હોમ મોકલી દીધા હતા. ગયા સપ્તાહે લાહોર હાઈકોર્ટે આ અંગે એક ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યુ છે કે હવે જગજીત શેલ્ટર હોમથી નિકળીને તેના સાસરે એટલે કે પતિ હસનના ઘરે જઈ શકશે. જગજીત કૌરનો આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ ભારતમાં પણ આ અંગે વ્યાપક ચર્ચા થઈ રહી છે. જગજીતના પરિવારે ભારતને પણ આ કેસમાં દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કરી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર આ કેસમાં કંઈ જ નહીં કરી શકવાની વાત કરી હતી.
તેમણે ટ્વિટ કરી લખ્યુ હતું કે ” ઘણા દિવસો બાદ પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન જગજીત કૌરની મદદ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જગજીતનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન થયુ અને તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવામાં આવ્યા. હું આ દિકરીને પૂરો ટેકો આપવા માંગુ છું અને તેમને તથા તેના પરિવારને પંજાબમાં લાવવા ખુશી અનુભવીશ”