બ્રિટનનો જેસી ડફ્ટન સ્કૉટલેન્ડના ‘ઓલ્ડ મેન ઓફ હોય’ પહાડ પર ચઢનાર વિશ્વનો પ્રથમ બ્લાઈન્ડ ક્લાઈમ્બર બની ગયો છે. જેસીએ 450 ફૂટ ઊંચા પહાડ પર 7 કલાકમાં ચઢાણ પૂર્ણ કર્યું. આ ચઢાણ માટે જેસીની મદદ તેની મંગેતર મૉલી થોમ્પસને કરી. થોમ્પસન તેને હેડસેડની મદદથી વોઈસ કમાન્ડ આપતી રહી. જેસી અને થોમ્પસન 2004થી સાથે ક્લાઈમ્બિંગ કરી રહ્યાં છે. લાલ પથ્થરોવાળો આ પહાડ સ્કૉટલેન્ડમાં નોર્થ કોસ્ટમાં આવેલો છે. જેસીએ જણાવ્યું કે,’આ પહાડ રિમોટ એરિયામાં આવેલો છે. તેથી ચઢાણ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ સમુદ્ર કિનારે આવેલો હોવાથી મે તેની પસંદગી કરી. હું આ પહાડ પર ચઢનાર પ્રથમ બ્લાઈન્ડ ક્લાઈમ્બર બનવા માગતો હતો અને મે આ સિદ્ધિ મેળવી. ક્લાઈમ્બિંગ સમયે એક જ બાબત પર ફોક્સ રાખવું પડે છે. કોઈ બીજી વસ્તુ અંગે વિચારી શકતા નથી. માત્ર એ જ વિચારતા રહેવું પડે છે કે આ પહાડ પર કેવી રીતે આગળ વધશો અને કેવી રીતે ચઢાણ પૂર્ણ કરી શકશો.’
જન્મ સમયે જેસીનું વિઝન માત્ર 20% હતું, હવે 1% જ રહી ગયું છે
બ્લાઈન્ડ ક્લાઈમ્બર એવા જેસીનું વિઝન જન્મ સમયે માત્ર 20% હતું, પરંતુ વધતી વય સાથે વિઝન પણ ઘટતું ગયું. હવે તેનું વિઝન માત્ર 1% જ રહી ગયું છે. જેસીએ કહ્યું કે,’હું જોઈને વધારે વસ્તુઓ અંગે જણાવી શકતો નથી. માત્ર એ કહી શકું કે લાઈટ ક્યાં ચાલું છે. હું જ્યારે હાથ આંખો સામે લાવું ત્યારે આંગળીઓ જોઈ શકું છું. તેનાથી વધુ જોઈ શકતો નથી.’ જેસીના પિતા પણ ક્લાઈમ્બર છે. તેમણે જ દીકરાને ક્લાઈમ્બિંગ શીખવાડ્યું હતું. જેસીએ માત્ર 2 વર્ષની વયે પ્રથમવાર ક્લાઈમ્બિંગ કર્યું હતું. આટલા ઓછા વિઝન વચ્ચે પણ તે 16 વર્ષની વય સુધી રગ્બી રમતો હતો. અમુક સમય ક્લાઈમ્બિંગ કર્યા બાદ આ તેની ફેવરિટ ગેમ બની ગઈ. જેસીને 2017માં બ્રિટનની પેરાક્લાઈમ્બિંગ ટીમમાં સ્થાન મળ્યું હતું. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથા ક્રમે રહ્યો હતો.