નવી દિલ્હી : નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની ઉચ્ચ-સ્તરની બેઠક 27 જૂન, શનિવારે થઈ હતી. ભારત સાથે સરહદ વિવાદનો મુદ્દો આ બેઠકમાં છવાયેલો રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન 50 કરોડ ડોલરની સૂચિત અમેરિકી ગ્રાન્ટ સહીત ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
એનસીપીની 48 સભ્યોની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન મોટાભાગના સભ્યોએ નેપાળ-ભારત સરહદ વિવાદની ચર્ચા કરી હતી. તેમ જ, નકશા તૈયાર કરવા સરકારે લીધેલા પગલાં નેપાળની રાષ્ટ્રીય એકતા અને સાર્વભૌમત્વને મજબૂત બનાવવાના ગણાવ્યા હતાં. જોકે, તેમણે સરહદ વિવાદ પર ભારત સાથે વાતચીત કરવામાં સરકારની અસમર્થતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
વિદેશમંત્રી પ્રદીપકુમાર ગ્યાવલીએ કહ્યું કે, સરકારે સરહદ મુદ્દે ભારત સાથે વાટાઘાટો કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ભારતે આ વાટાઘાટમાં રસ દાખવ્યો નહીં. ગ્યાવલીએ બેઠક દરમિયાન કહ્યું, ‘નેપાળ ઇચ્છે છે કે સરહદ વિવાદ રાજદ્વારી સ્તરે ઉકેલાય અને સંવાદ દ્વારા સમાધાન શોધવાનો પ્રયાસ કરશે.