લૉકડાઉનને કારણે હવા-પાણી તો કંઈક અંશે સાફ થઈ ગયા પરંતુ કોરોનાથી બચવાની શરત પર આપણે માણસો આપણી ગંદી હરકતોને કારણે નદી-તળાવ તથા સમુદ્રો માટે નવું જોખમ ઊભું કરી રહ્યાં છીએ. મહામારીની વચ્ચે સિંગલ યુઝ માસ્ક, PPE, ગ્લવ્સ તથા સેનિટાઈઝરનો ઉપયોગ રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે. જોકે, આના ઉપયોગ બાદ લોકો યોગ્ય રીતે ડસ્ટબિનમાં તેનો નિકાલ કરતાં નથી અને ગમે ત્યાં ફેંકી રહ્યાં છે.
- રસ્તા પર પડેલો મેડિકલ વેસ્ટ માણસોની સાથે પાલતુ પશુઓ માટે પણ જોખમી છે. તે પાણી સાથે સમુદ્રમાં પહોંચીને જળચર જીવોને પણ નુકસાન પહોંચાડી શકે છે.
- કોરોનાવાઈરસને અટકાવવા માટે સૌથી વધુ અસરકારક કહેવાતા મોટાભાગના થ્રી લેયર માસ્ક પૉલીપ્રોપિલીનના તથા ગ્લવ્સ તથા PPE કિટ રબર તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે.
- કાર્બનના આ પોલીમર કુદરતી વાતાવરણમાં 450 વર્ષ સુધી રહે છે. પ્લાસ્ટિકની જેમ આ માસ્ક પણ અનેક વર્ષો સુધી પર્યાવરણ માટે જોખમી બની રહે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું અનુમાન છે કે વિશ્વભરમાં દર મહિને કોરાનાથી બચવા માટે મેડિકલ સ્ટાફને લગભગ આઠ કરોડ ગ્લવ્સ, 16 લાખ મેડિકલ ગોગલ્સની સાથે 9 કરોડ મેડિકલ માસ્કની જરૂર પડી રહી છે. આ આંકડા માત્ર મેડિકલ સ્ટાફના છે. સામાન્ય લોકો પણ થ્રી લેયર માસ્ક તથા N95 માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમની સંખ્યા કરોડો તથા અબજોમાં પહોંચી છે.