અમેરિકામાં કોરોના વાઇરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત ન્યૂયોર્કના બાળકોમાં એક રહસ્યમય બીમારી ફેલાવવા લાગી છે. તેનાથી પીડિત 2 થી 15 વર્ષના 15 બાળકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બીમારી કોવિડ-19 સાથે સંકળાયેલી હોય તેવું લાગે છે. સોમવારે રાત્રે આરોગ્ય વિભાગે જારી કરેલા બુલેટિન મુજબ તેમાંના મોટાભાગના બાળકોના શરીરે ચાઠા પડી ગયા અને તેમને ઝાડા-ઉલટી થઇ રહી છે.
5 બાળકોને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડી છે. જ્યારે બધાને બ્લડ પ્રેશર સપોર્ટ પણ આપવામાં આવ્યો. યુરોપના ઘણા દેશોમાં પણ આવી બીમારી ફેલાઇ છે. પરંતુ હજુ સુધી તેના કારણે કોઇ મોત થયા નથી. બુલેટિનમાં કહેવાયું છે કે ડોક્ટરો હજુ સુધી આ બીમારીને સમજી શક્યા નથી. જો કે આ 15 બાળકોમાંથી ઘણા કોરોના પોઝિટિવ છે અન્યની એન્ટિબોડી તપાસમાં જણાયું કે તેઓ પહેલાં ચેપી રહ્યા છે. ન્યૂયોર્ક આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં દાખલ બાળકોમાં મેન્ટોક્સિક શોક કે કાવાસાકી રોગ જેવા લક્ષણો છે. તે એક દુર્લભ બીમારી છે. જેમાં રક્તવાહિકાઓમાં સોજો આવી જાય છે.