અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં પોતાના અંતરિક્ષયાત્રીઓ માટે નવું ‘સ્પેસ ટોઇલેટ’ બનાવ્યું છે. આ ટોઇલેટની કિંમત 23 મિલિયન ડોલર એટલે 174 કરોડ રૂપિયા છે. 6 વર્ષ પછી બનેલું નાસાનું આટલું મોંઘુ ટોઇલેટ સ્પેસ સ્ટેશનમાં સપ્ટેમ્બર મહિનાથી ઉપયોગમાં લેવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી સ્પેસ સ્ટેશનમાં પુરુષોની સાથોસાથ મહિલાઓની અવર-જવર પણ વધી ગઈ છે.
જૂનું ટોઇલેટ મહિલાઓને અનુરૂપ નહોતું. આથી નાસાએ 6 વર્ષના રિસર્ચ પછી એક નવું ટોઇલેટ બનાવ્યું છે. આ ટોઇલેટને મહિલાઓ અને પુરુષો એમ બંને ઉપયોગમાં લઇ શકશે. નાસાએ આ ટોઇલેટનું નામ ‘યુનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’ રાખ્યું છે. નવું સ્પેસ ટોઇલેટ જગ્યા પણ ઓછી રોકે છે અને તેનું વજન પણ પહેલાંના ટોઇલેટ કરતાં ઓછું છે.