કોંગોઃ વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર વર્તાઈ રહ્યો છે. કોરોના બાદ પોસ્ટ કોરોના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસના રોગે પણ ચિંતા વધારી છે. જોકે, કોરોના અને બ્લેકફંગસ બાદ નવા રોગે પણ ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે.
આફ્રિકી દેશ કૉન્ગોમાં બ્યૂબોનિક પ્લેગના 15 કેસ આવ્યા છે. તેમાંથી 11 લોકોના મોત થયા છે. તેને કાળા મોત કે બ્લેક ડેથના નામે ઓળખવામાં આવે છે. બ્યૂબોનિક પ્લેગ ખૂબ જ સંક્રામક છે અને જીવલેણ બીમારી છે. તે ઉંદરની મદદથી માણસમા ફેલાય છે.
બ્રિટિશ વેબસાઈટ ધ સનના રિપોર્ટમાં કહેવાયું છે કે કૉન્ગોના ઈતુરી પ્રાંતમાં બ્યૂબોનિક પ્લેગના કેસ સામે આવ્યા છે. 23 એપ્રિલથી 8 મેની વચ્ચે 11 લોકોના મોત થયા છે. આ દરેક વ્યક્તિને પહેલા લોહીની ઉલ્ટી થતી અને પછી તેમનું મોત થયું હતું.
ડો, લુઈસ શુલોનું કહેવું છે કે દર્દીને માથું દુઃખવું, તાવ, ખાંસી, લોહીની ઉલ્ટીના લક્ષણો જોવા મળે છે. અત્યાર સુધી બ્યુબોનિક પ્લેગના 15 કેસ આવ્યા છે. તેમાંથી 11ના મોત થયા છે.
ડબલ્યૂએચઓએ બ્યૂબોનિક પ્લેગમાં દેખાતા લક્ષણોને ફ્લૂ જેવા જ ગણાવ્યા છે. તેમાં એકથી સાત દિવસની અંદર લક્ષણો જોવા મળે છે. આ બીમારીમાં દર્દીને ઠંડી લાગવી, તાવ આવવો, નબળાઈ લાગવી, માથુ દુઃખવું અને થાક લાગવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમાં મોતનો રેટ 30-60 ટકા જોવા મળી રહ્યો છે. આ એક જીવલેણ બીમારી સાબિત થઈ રહી છે.