ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં લગભગ એક મહિના પહેલા લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. તેના લીધે રાજ્યના અમુક શહેરોમાં પ્રદૂષણ વધી ગયું છે. મંગળવારે સિડનીમાં સવારથી જ ધુમાડાની મોટી ચાદર ફેલાયેલી હતી. અધિકારીઓ પ્રમાણે, ઝડપી પવનના લીધે જંગલોનો ધુમાડો શહેરોમાં પહોંચી રહ્યો છે. તેના લીધે એર ક્વોલિટી ખતરનાક સ્તરે પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ઘરમાં રહીને શારીરિક પ્રવૃતિઓ રોકવા માટે કહ્યું છે.
સોશિયલ મીડિયા પર સિડનીમાં ફેલાયેલા ધુમાડાના ઘણા ફોટા વાયરલ થયા છે. લોકોનું કહેવું છે કે મંગળવારે સવારે જાગ્યા સાથે જ તેમને શહેરમાં ધુમાડો દેખાઇ રહ્યો છે. ટ્વિટર પર એક યુઝરે લખ્યું, ”સવારે ઉઠતા સાથેજ અમને ધુમાડાની ગંધ આવવા લાગી. પહેલા લાગ્યું કે ઘરમાં આગ લાગી ગઇ છે પરંતુ બહાર જોયું તો સમજાયું કે તે જંગલમાં લાગેલી આગથી પેદા થયો છે. આકાશ બ્લૂમાંથી ગ્રે રંગમાં બદલઇ ગયું.”
અધિકારીઓ પ્રમાણે ધુમાડો હજુ ઘણા દિવસો સુધી ફેલાયેલો રહેશે. સિડનીમાં લગભગ 50 લાખ લોકો રહે છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર રાષ્ટ્રીય માપદંડથી 8 ગણુ જતું રહ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં વધી રહેલી ગરમીના લીધે જંગલોમાં લાગેલી આગ વધુ ભડકે તેવી સંભાવના છે. ન્યૂ સાઉથ વેલ્સ સિવાય ક્વીન્સલેન્ડમાં પણ આગના પ્રકોપથી ભારે નુકશાન થયું છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં પણ ફાયર વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. સરકારે લોકોને આગ ન સળગાવવાની સલાહ આપી છે.
ઓસ્ટ્રેલિયામાં ક્યાં-ક્યાં આગ લાગી છે ?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સિડનીમાં ખરાબ વાતાવરણનું મુખ્ય કારણ તટીય અને આંતરીયાળ વિસ્તારોના જંગલોમાં ફેલાયેલી આગ છે. લગભગ 50થી વધુ જગ્યાઓ પર આગ ભડકી છે. અધિકારીઓ પ્રમાણે 8 નવેમ્બરથી લઇને અત્યાર સુધી રાજ્યમાં 468 ઘર તબાહ થઇ ચૂક્યા છે. તેમાં 6 લોકોનું મોત થયું છે. જે જગ્યાઓ પર ધુમાડો ફેલાયો છે ત્યાં એર ક્વોલિટી ઘણા દિવસો સુધી ખરાબ રહી શકે છે.