ન્યૂ ઝીલેન્ડના વ્હાઇટ આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટવાને કારણે અનેક પર્યટકો ગંભીર રીતે દાઝ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકો માટે સરકારે 1290 સ્કવેર ફુટ માનવ ચામડીનો ઓર્ડર આપવો પડ્યો છે. સોમવારે ફાટેલા આ જ્વાળામુખીને કારણે 10 લોકોના મૃત્યુ થયા છે. પર્યટકોમાંથી 29 લોકો ગંભીર રીતે દાજ્યા છે. ન્યૂ ઝીલેન્ડના મેડિકલ ઓથોરિટીએ જણાવ્યું કે, હાલ બર્ન્સ યુનિટમાં 29 પેશન્ટ ગંભીર હાલતમાં દાખલ છે. તેમાંથી 22 લોકો અતિ ગંભીર હાલતમાં છે. તેમની હાલની પરિસ્થતિ ઘણી ક્રિટિકલ છે. ન્યૂ ઝીલેન્ડમાં હાલ સ્કિનની માગને પહોંચી શકાય તેવું ન હોવાથી અમેરિકાને ઓર્ડર આપવો પડ્યો છે. દેશના નેશનલ બર્ન્સ યુનિટના ચીફ મેડિકલ ઓફિસર ડો. પેટ વોટ્સને કહ્યું કે, હાલ અમારી સાથે સ્કિનનો પૂરતો સ્ટોક છે, પણ છેલ્લી ઘડીએ હ્યુમન સ્કિન શોધવા માટે ભાગવું ન પડે એટલે અમે ઓર્ડર આપ્યો છે. અમને 1290 સ્કવેર ફુટ માનવ ચામડીની જરૂર છે. ગેસ કે કોઈ કેમિકલને લીધે દાઝી ગયેલી ચામડી કરતાં કુદરતી ઘટનાથી દાઝેલી ચામડીની સર્જરી ઘણી કોમ્પ્લેક્સ હોય છે.
શું છે હ્યુમન સ્કિન ડોનેશન?
ન્યૂ ઝીલેન્ડની સરકારે માનવ ચામડી ઓર્ડર કરી તે સમાચાર સાંભળીને મોટા ભાગના લોકોને પ્રશ્ન થયો હશે એક મનુષ્યની ત્વચા ક્યાંથી લવાશે? દરેક દેશમાં હ્યુમન ઓર્ગન બેન્કની જેમ હ્યુમન સ્કિનની પણ બેન્ક હોય છે. આપણા દેશમાં મુંબઈમ ચેન્નાઈ અને બેંગ્લોરમાં સ્કિન બેન્ક આવેલી છે.
ભારતમાં વર્ષે 70 લાખ લોકો દાઝે છે
રિપોર્ટ પ્રમાણે આપણા દેશમાં દર વર્ષે આશરે 70 લાખ લોકો દાઝી જાય છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે. આમ તો ડોક્ટર દર્દીના શરીરના અન્ય ભાગમાંથી ત્વચા લઈને સારવાર કરે છે, પણ જો તે વધારે દાઝી ગયો હોય તો તેની સ્કિન ઉપયોગમાં લેવી શક્ય નથી.
સ્ટોરમાં રાખેલી સ્કિન 5 વર્ષ સુધી વાપરી શકાય છે
ડોનેટ કરેલી સ્કિનને ફ્રોઝન કરીને લાંબા સમયગાળા સુધી સ્ટોર કરી શકાય છે. આ સ્ટોર કરેલી સ્કિન પાંચ વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. આપણા દેશમાં મુંબઈ શહેરમાં સ્કિન બેન્ક આવેલી છે. ડોનરે મૃત્યુના 6 કલાક સુધીમાં જ ત્વચા ડોનેટ કરવી પડે છે, 6 કલાક પછી તેની સ્કિન કોઈ કામમાં આવતી નથી. આ સ્કિન તેના આખા શરીરમાંથી નહીં પણ પીઠ, જાંગ અને પગમાંથી લેવામાં આવે છે.
કોણ સ્કિન ડોનેટ કરી શકે?
સ્કિન ડોનેશન માટે ડોનરની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. મેક્સિમમ ઉંમર માટે કોઈ ફિક્સ આંકડો નથી, 100 વર્ષની વ્યક્તિ પણ સ્કિન આપી શકે છે. આ ડોનરને સ્કિન કેન્સર કે HIV બીમારી ન હોવી જોઈએ. તેને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું સ્કિન ઇન્ફેક્શન થયેલું ન હોવું જોઈએ. આ ડોનેશનમાં ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, કોઈ પણ વ્યક્તિની ચામડી કોઈ પણ દર્દીને કામમાં આવી શકે છે, તેને બ્લડ ગ્રુપ, કલર મેચિંગ કે ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી. ડોક્ટરની ટીમ આવે ત્યારે ડોનરનું ડેથ સર્ટિફિકેટ હોવું ઘણું જરૂરી છે.
મૃત્યુ પછી સ્કિન ડોનેટ થાય છે
ચક્ષુ દાનની જેમ આ ડોનેશન પણ મૃત્યુ પછી જ થાય છે. સ્કિન ડોનેશન બેન્કને ફોન કરતા તેમની ટીમ ડોનરની ઘરે આવે છે. આ માટે ડોનરને હોસ્પિટલ લઈ જવાની પણ કોઈ જરૂર પડતી નથી. એક ડોક્ટર, 2 નર્સ અને 1 આસિસ્ટન્ટની ટીમ ઘરે આવે છે. આપણા દેશમાં ઓર્ગન ડોનેશન કરતાં ઘણા ઓછા લોકો સ્કિન ડોનેશન મામલે જાગૃત છે.