પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ કેસ આવી ચૂક્યા છે જ્યારે 460 થી વધુ મોત થઇ ગયા છે. નવા સંક્રમણના વધતા કેસોની વચ્ચે હવે ઇમરાન ખાન સરકાર સામે તીડ આક્રમણનું નવું સંકટ ઊભુ થયું છે. જેનો સામનો કરવા માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. કારણ એ છે કે જો તીડને કાબુમાં નહીં લેવાય તો પાકિસ્તાનમાં ખાદ્યાન્ન સંકટ સર્જાશે. સિંધ સરકારે તીડના આક્રમણની આશંકાને ધ્યાનમાં રાખી ઇમરાન સરકારની મદદ માગી છે. હેલિકોપ્ટરથી જંતુનાશકના છંટકાવનો આગ્રહ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાન એ દેશોમાં સામેલ છે, જ્યાં તીડ આક્રમણને કારણે ખાદ્યાન્ન સંકટ ઊભુ થઇ શકે છે. જેની અસર મોટાભાગની વસતી પર બે ટંકનું ભોજન મેળવવામાં થઇ શકે છે. એફએઓએ ‘પાકિસ્તાનમાં તીડદળની સ્થિતિ’ શીર્ષકથી જારી રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાન અને ઇરાન, દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તીડ આક્રમણના કારણે વધુ સમસ્યાઓનો સામનો કરી શકે છે. પાકિસ્તાનમાં 38 ટકા વિસ્તાર તીડ આક્રમણની ચપેટમાં આવે છે. બલૂચિસ્તાનમાં તો આશરે 60 ટકા ખેતર તીડ આક્રમણનો શિકાર થઇ રહ્યા છે.