પોતાનાં શરીરથી અનેક લોકોને ફરિયાદો હોય છે. બોડી શેમિંગથી બચવા માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરીને પણ ખુશ હોતા નથી, પરંતુ બ્રાઝિલનો ડિફરન્ટલી એબલ્ડ ક્લાઉડિયો વિયેરિયા ડે ઓલિવેરિયા જરાક અલગ તરી આવે છે. તેને જન્મથી જ માથું પીઠ તરફ વળેલું છે અને હાથ-પગ વાંકા છે તેમ છતાં તે એકદમ નોર્મલ લાઈફ જીવીને ખુશ છે. એટલું જ નહિ તે એક મોટિવેશનલ સ્પીકર છે અને હજારો લોકોને પ્રેરણા આપે છે. ક્લાઉડિયો 44 વર્ષનો છે. તેના જન્મ સમયે ડૉક્ટર્સે કહ્યું હતું કે આ બાળક 24 કલાકથી વધારે નહિ જીવી શકે. અને કુદરતની કમાલ છે કે તે આજે 44 વર્ષનો થયો અને ખુશમિજાજીથી જીવન પસાર કરી રહ્યો છે. તેણે મોટિવેશનલ સ્પીકર તરીકે પોતાના કરિયરની પસંદગી કરી છે.
ક્લાઉડિયોને ‘કન્જેનિટલ અર્થ્રોગ્રિપોસિસ’ નામની રેરેસ્ટ બીમારી છે. આ કન્ડિશનને લીધે તેના પગ અને હાથના મસલ્સ સામાન્ય નથી. તેના હાથ તેની છાતી સાથે જ કાયમી જોડાયેલા છે અને તેનું માથું પીઠ તરફ ઝુકેલું છે. પોતાના શારીરિક પડકારોથી હાર ન માની ક્લાઉડિયોએ એક સામાન્ય અને ખુશીથી ભરપૂર જીવન જીવવાનું નક્કી કર્યું હાલ તે અનેક લોકોને પ્રેરણા આપે છે. તે પોતાનાં બધાં કામ જાતે જ કરે છે.
Tuesday, May 21