પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં રવિવારે એક બસ ખીણમાં પડી હતી. જેમાં મોટી દુર્ધના સર્જાઇ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 11 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી મોટાભાગનાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા. બસ ઈસ્લામાબાદથી ક્વેટા જઈ રહી હતી. આ અકસ્માત ડ્રાઈવરની ભૂલ છે કે પછી બેદરકારીને કારણે થયો હતો કે બસમાં કોઈ ખામી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી.
એક ન્યુઝ ચેનલના રિપોર્ટ અનુસાર ક્વેટા અને ઈસ્લામાબાદથી બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કેટલાક અન્ય અહેવાલો અનુસાર બસનું ટાયર ફાટવાને કારણે સંતુલન ખોરવાઈ ગયું હતું અને બસ ખાઈમાં પડી હતી.
ક્વેટાના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર મહેતાબ શાહે જણાવ્યું – આ ઘટના ધનસરા વિસ્તારમાં બની હતી. અકસ્માત સમયે બસની સ્પીડ પણ ખૂબ જ ઝડપી હતી. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે કે અન્ય કોઈ કારણથી.