પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું ક્યારેય નહીં છોડશે. કોરોનાને કારણે કંગાળ બનેલા પાકે ફરી એકવાર ભારત પર કુદ્રષ્ટિ કરી છે. આ વખતે તેના નિશાના પર ભારતીય નાગરિક, દેશના મોટા પોલીસ અધિકારી અને આર્મી સાથે સંકળાયેલા મોટા અધિકારીઓ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ ભારતીયોને ટાર્ગેટ કરવા માટે ફેક આરોગ્ય સેતુ એપ ડિઝાઈન કરી છે, જેનાથી બધી ગુપ્ત જાણકારી પાકિસ્તાન સરળતાથી લઈને ભારત વિરુદ્ધ ફરી એકવાર મોટા હુમલાનો પ્લાન બનાવી શકે. આ ગુપ્ત જાણકારી મળતા જ ભારતીય સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઈ છે. તે આરોગ્ય સેતુ એપને મળતી આવે છે. એવામાં તમે સતર્ક ના રહે તો તમારો બધો જ ડેટા, મહત્ત્વપૂર્ણ જાણકારી હેક કરી લેવામાં આવશે. મહારાષ્ટ્ર સાયબર ડિપાર્ટમેન્ટના IGP યશશ્વી યાદવે જણાવ્યું હતું કે, આ એપથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ અને તે કેટલી ખતરનાક એપ્લિકેશન છે.
આ ફેક આરોગ્ય સેતુની ફાઈલ એક્શેટન્શન (.APK ) છે. તેનું ફુલ ફોર્મ છે એન્ડ્રોઈડ એપ્લિકેશન કિટ, જ્યારે ભારતીય આરોગ્ય સેતુ એપનું ઓરિજિનલ એક્સટેન્શન (.GOV. IN) છે. યશશ્વી યાદવના જણાવ્યા અનુસાર, એકવાર જો તમે આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી લો તો તમારો આખો ફોન અને તેના બધા જ ડેટા હેક થઈ જશે.
હેક થયા બાદ તે તમારી વાતો સાંભળી શકે છે.
તમારા ટેક્સ્ટ મેસેજ જોઈ શકે છે.
તમારા આખા વોટ્સએપને વાંચી શકે છે.
તમારા વોટ્સએપ કોલ સાંભળી શકે છે.
તમારા ફોટા જોઈ શકે છે.
મોબાઈલના માઈક્રોફોન પણ ઓન થઈ જશે અને તમારી અંગત વાતોને તમારી મરજી વિના પાકિસ્તાન સાંભળી શકશે.
તે તમને કંગાલ બનાવી શકે છે અને બદનામ કરી શકે છે.
એવામાં સૌથી મોટો પડકાર છે, તેને ટ્રેક કરવાનું. કારણ કે તેનું સર્વર નેધરલેન્ડમાં બેઝ્ડ છે, જેને ટ્રેક કરી શકવું ખૂબ જ મુશ્કેલ છે.
ઓફિશિયલ પ્લે સ્ટોર પરથી જ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો. જોકે, અહીં પણ ફેક આરોગ્ય સેતુ એપ છે, પરંતુ અહીંથી ટ્રેક કરીને તપાસ કરી શકાય છે. કોઈ તમને વોટ્સએપ લિંક મોકલે તો તેને ડાઉનલોડ ના કરો, તેની જાણકારી સાયબર ડિપાર્ટમેન્ટને આપો.
આ ફેક એપને પાકિસ્તાની હેકર્સે વર્ષ 2020 એપ્રિલમાં લોન્ચ કરીને લોકોને લિંક મોકલીને ડાઉનલોડ કરાવી હતી. હવે તે લેટેસ્ટ વર્ઝન પણ લાવ્યા છે, જેનાથી આપણે બચવાની જરૂર છે.
જાણકારી અનુસાર, પાકિસ્તાની હેકર્સની તૈયારી છે કે, ઉંચા હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પાસે આ ફેક આરોગ્ય સેતુ ઈન્સ્ટોલ કરાવીને ગુપ્ત જાણકારી ભેગી કરી શકાય. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે ભારત સરકારે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી છે, જે દરેક સરકારી અધિકારી અને કર્મચારીઓ માટે ડાઉનલોડ કરવી ફરજિયાત છે. આ વાતને નિશાનો બનાવીને હવે પાકિસ્તાને આરોગ્ય સેતુનું ફેક વર્ઝન શરૂ કર્યું છે.