કેનેડાની ઇનોવેટિવ આઈડિયાથી કામ કરતી કંપનીએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અનોખો વિકલ્પ શોધી લીધો છે. નોવા સ્કોટિયા વિસ્તારમાં ભેગો થતા પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને બિલ્ડિંગ બ્લોક બનાવવામાં ગૂડવૂડ કંપનીને સફળતા મળી છે. કંપની શહેરનો 80 ટકા કચરાને રિસાયકલ કરી રહી છે. પ્લાસ્ટિકમાંથી બનાવેલા આ બ્લોકમાં ડ્રિલ અને ખિલ્લી પણ ખૂંપી શકાય છે. એક લાકડામાંથી જે વસ્તુ બનાવી શકાય તે બધી આ બ્લોકમાંથી બનાવી શકાય છે. બાકી રહેલો 20 ટકા કચરો રિસાયકલ માર્કેટમાં મોકલવામાં આવે છે. ગૂડવૂડ કંપનીના આ પ્રયાસથી હોલિફેક્સ શહેરના અધિકારીઓ ઘણા ખુશ છે. તેમનું માનવું છે કે, આ રિસાયક્લિંગથી પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય વપરાશ થઈ જશે અને લાકડા માટે વૃક્ષોને પણ કાપવા નહીં પડે. હોલિફેક્સના સોલિડ વેસ્ટ ડિવિઝન મેનેજર એન્ડ્ર્યુ ફિલોપોલુસે કહ્યું કે, હું ખુશ છું કે, ગૂડવૂડ કંપની 80 ટકા પ્લાસ્ટિકનો કચરો વાપરી રહી છે.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ગૂડવૂડ કંપનીએ ગ્રોસરી સ્ટોરની સાથે મળીને પ્લાસ્ટિકના કચરામાંથી બનેલો પાર્કિંગ એરિયા તૈયાર કર્યો હતો. કંપની પાસે મોટાભાગનો કચરો પ્લાસ્ટિકની થેલીઓ હોય છે. કંપની માત્ર થેલીઓ જ નહીં પણ પ્લાસ્ટિકની વસ્તુઓને પણ રિસાયકલ કરે છે. ગૂડવૂડ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ માઈક ચેસીએ જણાવ્યું કે, અમારી કંપનીની પ્રોડક્ટમાંથી પિકનિક ટેબલથી લઈને પાર્કની બેન્ચ સુધીની કોઈ પણ વસ્તુ બની શકે છે. અમારી આ ટેક્નિક ભવિષ્યમાં વધારે જગ્યાએ વિસ્તરે તે માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. પ્લાસ્ટિકનો આપણે સંપૂર્ણ નાશ કરી શકીએ તે તો શક્ય નથી પણ તેને કચરાના ઢગલાનું સ્વરૂપ આપવું તેના કરતાં રિસાયકલ કરીને અન્ય ઉપયોગી વસ્તુ બનાવવી વધારે યોગ્ય છે.