કોરોનાવાઈરસે વિશ્વભરમાં પોતાનો પગપેસારો કર્યો છે. લાખો લોકોને તેનાથી સંક્રમિત છે. અત્યાર સુધી કોરોનાવાઈરસની કોઈ ચોક્કસ દવા કે રસી પણ શોધાઈ નથી. થોડા દિવસ અગાઉ જ ચીનમાં કોરોના પોઝિટિવ ડોક્ટરનું શરીર આખું કાળું પડ્યું હતું તેવી તસવીરો સામે આવી હતી. કોરોનાવાઈરસ હવે દર્દીઓના શરીરમાં બ્લડ ક્લોટ (અર્થાત લોહીની ગાંઠો) બનાવી રહ્યું છે. તેને લીધે દર્દીઓને હાર્ટ અટેક અને સ્ટ્રોક આવી શકે છે. ન્યૂ યોર્કના હેમાટોલોજિસ્ટ ડો. જેફ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાવાઈરસથી પીડિત ઘણા દર્દીઓમાં ક્લોટિંગની સમસ્યા જોવા મળી રહી છે. કેટલાક દર્દીઓના ડાયાલિસીસમાં પણ ક્લોટિંગને લીધે તકલીફ પડી રહી છે. થ્રોમબોઝિસ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં નેધરલેન્ડનાં એક રિસર્ચ પ્રમાણે ICUમાં દાખલ 184 કોરોનાના દર્દીઓમાંથી 30% દર્દીઓ બ્લડ ક્લોટિંગ ધરાવે છે. નિષ્ણાતો અનુસાર આ પ્રમાણ ચિંતાજનક છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોનાવાઈરસથી રેસ્પિરેટરી સમસ્યાઓ થાય છે તેની અસર લોહી પર થતી નથી પરંતુ કોરોનાવાઈરસના દર્દાઓમાં બ્લડ ક્લોટિંગ જોવા મળી રહ્યા છે અને તેનું કારણ હજુ સુધી એક ભેદ જ છે.