નવી દિલ્હી : સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ને લઈને સમગ્ર દેશમાં ભારે હંગામો મચી રહ્યો છે. દેશની અને વિદેશની મોટી યુનિવર્સિટીઓએ દિલ્હીની જામિયા મીલીયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પોલીસ કાર્યવાહીની સખત નિંદા કરી છે. વિદેશી વિદ્યાર્થીઓએ પોલીસ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી હતી.
કોલમ્બિયા યુનિવર્સિટીની લાયબ્રેરીની બહાર ભારતીયોએ વિરોધ નોંધાવ્યો હતો. કોલમ્બિયાના વિદ્યાર્થીઓએ ભારત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતની જામિયા અને અલીગ મુસ્લિમ યુનિવર્સિટીના વિરોધ કરનારા વિદ્યાર્થીઓ પર પોલીસની કડક કાર્યવાહી સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
બ્રિટનમાં પણ સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો
નાગરિકતા સુધારો અધિનિયમ અને રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) વિરુદ્ધ લંડનમાં પણ દેખાવો થયા હતા. આ સમય દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં કામ કરતા સેંકડો વિદ્યાર્થીઓ અને વિદેશી લોકો જોડાયા હતા. તે જ સમયે, સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઓક્સફર્ડમાં વિદ્યાર્થીઓએ પણ ભારતના નાગરિકત્વ કાયદાના વિરોધમાં દેખાવો કર્યા હતા.
વિરોધીઓએ લંડનમાં ભારતીય હાઈકમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્કૂલ ઓફ ઓરિએન્ટલ અને આફ્રિકન સ્ટડીઝના ભારતીય સમુદાયે આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સહિતની ઘણી સંસ્થાઓ દ્વારા ટેકો મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ ભારતમાં ઘણા સ્થળોએ હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. આને કારણે સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે અને કલમ 144 લગાવી દેવામાં આવી છે.