પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સંખ્યાબંધ પ્રકાશકો ટૂંક સમયમાં જેલમાં જઇ શકે છે. કોઇ પણ પુસ્તક કે લેખ સહિતની લેખિત સામગ્રીના પ્રકાશન પહેલાં જો પ્રકાશકોને સરકાર તરફથી મંજૂરી ન મળે તો તેમને જેલની સજા થઇ શકે છે. પંજાબમાં સાંસદોએ ગયા મહિને એક નિર્ણયને સર્વસંમતિથી મંજૂરી આપી, જે વાંધાજનક પ્રકાશિત સામગ્રીઓને નિશાન બનાવતા ખરડા સંબંધિત છે. પંજાબ અભ્યાસક્રમ ના વડા રાય મંજૂર હુસૈન નાસિરે એએફપીને જણાવ્યું કે પુસ્તકોના પ્રકાશન પહેલાં પ્રકાશકોએ મંજૂરી લેવી પડશે. જો પાઠ્યપુસ્તકમાંથી કન્ટેન્ટ હટાવી લેવાશે તો બૅન પણ હટાવી દેવાશે. થોડાં દિવસ પહેલાં જ પંજાબના અભ્યાસક્રમ અને ટેક્સ્ટબુક બોર્ડએ 100થી વધુ પુસ્તકોને રાષ્ટ્ર અને ધર્મ વિરોધી ગણાવી બૅન કરી દીધા હતા. ગણિતનું એક પુસ્તક તો ભૂંડનો ફોટો પ્રકાશિત થવાના કારણે બૅન કરી દેવાયું હતું. ખરડો કાયદામાં ફેરવાતાં જ પંજાબ સરકારના જનસંપર્ક વિભાગ પાસે નવી તાકાત આવી જશે. વિભાગ જેને રાષ્ટ્રહિત, સંસ્કૃતિ, ધર્મ કે સાંપ્રદાયિક સૌહાર્દની વિરુદ્ધ સમજે તેવી સામગ્રીનું પ્રકાશન રોકી શકશે. પ્રકાશકો અને પ્રકાશિત સામગ્રી મંગાવનારાઓએ સામગ્રીની કોપી ડીજીપીઆર પાસે જમા કરાવવાની રહેશે તેવું ન કરવા બદલ પણ સજાની જોગવાઇ છે. કાયદો અમલી બન્યા બાદ હજરત મોહમ્મદ પયગંબર સાહેબના નામની આગળ ખત્મ-અન-નબીઇન (અંતિમ પયગંબર) લખવું પણ ફરજિયાત હશે.