યુએસ ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે રશિયા 2022ની શરૂઆતમાં યુક્રેન પર લશ્કરી હુમલો કરી શકે છે.
અધિકારીઓનો અંદાજ છે કે આ સૈન્ય કાર્યવાહીમાં 175,000 રશિયન સૈનિકો સામેલ થશે.
બિડેન પ્રશાસનના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે નવી ગુપ્ત માહિતી અનુસાર, અડધા રશિયન સૈનિકો યુક્રેનની સરહદની નજીક વિવિધ ચોકીઓ પર તૈનાત થઈ ચૂક્યા છે.
આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે રશિયાએ બિડેન પ્રશાસન પાસેથી બાંયધરી માંગી હતી કે યુક્રેનને નાટો ગઠબંધનમાં સામેલ કરવામાં આવશે નહીં.
ઇન્ટેલિજન્સ અધિકારીઓને જાણવા મળ્યું છે કે, સંભવિત હુમલા પહેલા યુક્રેન અને નાટોને બદનામ કરવા માટે રશિયાની માહિતી કામગીરીમાં પ્રોક્સીઓ અને નકલી મીડિયા આઉટલેટ્સના ઉપયોગમાં વધારો થયો છે.
આ ગુપ્તચર અહેવાલ પ્રથમ વખત અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
શુક્રવારે પ્રમુખ જો બિડેને કહ્યું હતું કે તેઓ વ્લાદિમીર પુતિન માટે યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીને “ખૂબ જ મુશ્કેલ” બનાવશે. તેમના પ્રશાસનનો ઉદ્દેશ્ય રશિયાના આક્રમણને રોકવાનો છે.
યુક્રેન તરફ રશિયન ટેન્કની તૈનાતી વધવાને પગલે યુએસ જાસૂસી એજન્સીની ગંભીર ચિંતાઓ વચ્ચે બિડેને રશિયન પ્રમુખ પુતિનને ચેતવણી આપી છે.
તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, “અમે અમારી વ્યાપક અને સાર્થક પહેલથી પુતિન જે કરવા માંગે છે તે કરવા માટે અમે તેને ખૂબ જ મુશ્કેલ બનાવી દઈશું.”
જ્યારે શુક્રવારે યૂક્રેનના રક્ષા મંત્રી ઓલેક્સી રેજનિકોવે પોતાના સાંસદોને જણાવ્યું હતુ કે, યૂક્રેનની નજીક અને રશિયા સાથે જોડાયેલા ક્રિમિયાઓમાં વર્તમાનમાં રશિયન સૈનિકોની સંખ્યા 94,00 છે, અને ચેતવણી આપવામાં આવી છે કે આગામી વર્ષ જાન્યુઆરીમાં સૈનિકોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવી શકે છે.