દુનિયામાં કોરોનાની પહેલી વેક્સીન ‘સ્પુતનિક V’ને મોટા પ્રમાણમાં તૈયાર કરવા માટે રશિયાએ ભારતની મદદ માગી છે. રશિયાના જણાવ્યા પ્રમાણે, તે ભારતની સાથે ભાગીદારીમાં આ વેક્સીનનું ઉત્પાદન કરવા માગે છે. જેથી સમગ્ર વિશ્વમાંથી દવાઓની માગ પૂરી કરી શકાય.
રશિયન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ ફંડના CEO કિરિલ મિત્રીવએ આ અંગે જાણકારી આપી હતી. ‘સ્પુતનિક V’ને રશિયાએ ગેમાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ RDIFની સાથે મળીને બનાવી છે. આ વેક્સીનના ત્રીજા તબક્કાનું ક્લિનિકટ ટ્રાયલ કરવામાં નથી આવ્યું.
કિરિલે એક ઓનલાઈન પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ઘણા દેશોમાંથી વેક્સીનની માગ આવી રહી છે. આ માગને પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરવું પડશે. દવા ઉત્પાદનની બાબતમાં ભારત આગળ છે. અમને વિશ્વાસ છે કે ભારત મોટા પ્રમાણમાં તેની દવા તૈયાર કરી શકે છે અને અમે તેના માટે ભારત સાથે પાર્ટનરશિપ કરવા માગીએ છીએ.
કિરિલના જણાવ્યા પ્રમાણે, વેક્સીન ઉત્પાદન માટે અમે ડિટેઈલમાં રિસર્ચ કર્યું અને વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, ભારત, બ્રાઝિલ, સાઉથ કોરિયા અને ક્યુબા જેવા દેશોમાં ઉત્પાદનની સારી છે. તેથી અમે ઈચ્છીએ છીએ કે, આમાંથી કોઈપણ દેશ સ્પુતનિક V તૈયાર કરવામાં ઈન્ટરનેશનલ હબ બને.
કિરિલને અત્યાર સુધી 10 લાખથી વધુ ડોઝની માગ મળી છે. ભારત 5 કરોડ ડોઝ પ્રતિ વર્ષ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી આ ભાગીદારી અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે ભારતની ડ્રગ મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો પણ સંપર્ક કરવામાં આવશે.