રશિયાની સરકારી ટીવી ચેનલે બુધવારે યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કાબેવાના માનમાં જિમ્નેસ્ટિક્સ ફેસ્ટિવલ કાર્યક્રમનું પ્રસારણ કર્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેના 100માં દિવસે પ્રવેશ્યું તે દિવસે આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
‘ફેસ્ટિવલ એલિના’ નામના આ શોનું સંચાલન ગયા મહિને ઓલિમ્પિક ચેમ્પિયન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ બુધવારે રશિયા-1 ચેનલ પર પ્રીમિયર થયું હતું, ન્યૂયોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો હતો. આ કાર્યક્રમ બાળકોના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીનો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તહેવારના આયોજનમાં સૈન્ય ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કાર્યક્રમમાં સામેલ જિમ્નાસ્ટિક્સ લાલ ડ્રેસમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. દરમિયાન, ન્યૂઝવીક અહેવાલ આપે છે કે છેલ્લા કેટલાક મહિનામાં મોસ્કોમાં આયોજિત થનારો આ બીજો એલિના ફેસ્ટિવલ હોવાનું જણાય છે.
પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કાબેવા લાંબા સમય પછી એપ્રિલમાં તેના નામના કાર્યક્રમ દરમિયાન દેખાઈ હતી. આ ઇવેન્ટમાં, એલિનાએ રશિયન સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. આ દરમિયાન એલિનાએ કથિત રીતે બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓ પર સોવિયેતની જીત અને યુક્રેનમાં વર્તમાન યુદ્ધ વચ્ચેની સામ્યતા દર્શાવી હતી.