રશિયાઃ આતંકવાદ એ અત્યારે દુનિયા માટે માથાનો દુઃખાવો બની ગયો છે. ત્યારે રશિયાએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી કર્યાના સમાચાર મળી રહ્યા છે. રશિયાએ સિરિયામાં એર સ્ટ્રાઈક કરીને 200 આતંકવાદીઓનો ખાત્મો બોલાયો હતો.
સિરિયામાં રાષ્ટ્રપતિ બસર અલ અસદની સરકારનુ સમર્થન કરી રહેલા રશિયાએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. રશિયન વાયુસેનાના લડાકુ વિમાનોએ કરેલી એર સ્ટ્રાઈકમાં ઈસ્લામિક સ્ટેટના 200 જેટલા આતંકીઓનો ખાત્મો થયો હોવાના અહેવાલો મળ્યા છે. રશિયાના લડાકુ વિમાનોએ પલમાયરાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસ્લામિક સ્ટેટના બેઝને ટાર્ગેટ બનાવીને સંખ્યાબંધ મિસાઈલ્સ લોન્ચ કરી હતી.
દરમિયાન સિરિયામાં રશિયન સેનાની આગેવાની કરી રહેલા રિયલ એડમિરલ કારપોવે પણ આ હુમલાને સમર્થન આપ્યુ છે. જે બેઝ પર હુમલો કરાયો છે ત્યાં આંતકીઓ વિસ્ફટકો તૈયાર કરતા હતા. આ બાબતની જાણકારી રશિયાને મળી હતી. રશિયાએ આ બેઝ તબાહ કરવા માટે વાયુસેનાના લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
રશિયાએ દાવો કર્યો છે કે, હુમલામાં 200 આતંકવાદીઓ ઉપરાંત બે મકાનો, ભારે મશિનગનોથી સજ્જ 24 ટ્રકો, 500 કિલો વિસ્ફોટકોનો ખાતમો બોલી ગયો છે. વિસ્ફોટક હથિયારો બનાવવા માટેનુ બીજુ મટિરિયલ પણ નષ્ટ કરવામાં આવ્યુ છે.
આતંકીઓનો ઈરાદો સિરિયામાં થનારી ચૂંટણી પહેલા અસ્થિરતા ઉભી કરવાનો હતો. જેની નજીક આ હુમલો કરાયો છે તે પલમાયરા શહેર એક ઐતહાસિક શહેર છે અને અહીંયા ઘણી ઐતહાસિક વિરાસતો આવેલી છે. જેમાંથી ઘણા સ્મારકોને 2015માં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ નષ્ટ કરી નાંખ્યા હતા.