રિયાધઃ સાઉદી અરેબિયાએ પોતાના પુરુષો ઉપર અજીબોગરીબ પ્રતિબંધ મૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે. સાઉદી અરેબિયાએ મૂકેલા પ્રતિબંધ પ્રમાણે હવે સાઉદી અરેબિયાનો પુરુષ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ કે મ્યાંમારની મહિલા સાથે લગ્ન નહીં કરી શકે. જોકે, આ માહિતી પાકિસ્તાનના વર્તમાન પત્ર ડોનમાં સાઉદી મીડિયાના હવાલેથી આ સમાચાર છપાયા હતા.
એક અંદાજ પ્રમાણે સાઉદી અરેબિયામાં હાલ આ ચારેય દેશની 50 હજાર મહિલાઓ રહે છે. મક્કાના ડિરેક્ટર ઑફ પોલીસ મેજર જનરલ અસફ અલ-કુરૈશીના હવેલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા સાઉદી પુરુષોએ હવે કડક નિયમોનો સામનો કરવો પડશે.
ડૉનના અહેવાલ પ્રમાણે આવું એ માટે કરવામાં આવ્યું છે, જેનાથી સાઉદીના પુરુષોને વિદેશીઓ સાથે લગ્ન કરતા રોકી શકાય. આ ઉપરાંત વિદેશીઓ સાથે લગ્ન કરવાની છૂટ આપતા પહેલા વધારાના નિયમો બનાવવામાં આવ્યા છે. કુરેશીએ કહ્યુ- વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા પુરુષોએ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. સાથે જ લગ્ન કરવા માટે અરજી આપવી પડશે.
કુરેશીએ કહ્યુ કે, તલાક મળ્યા હોય તેવા પુરુષોને તલાકના છ મહિનાની અંદર અરજી કરવાની છૂટ નહીં આપવમાં આવે. અધિકારીએ કહ્યુ કે, અરજીકર્તાની ઉંમર 25 વર્ષથી વધારે હોવી જોઈએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જો અરજીકર્તા પહેલાથી પરિણીત છે તો તેણે હૉસ્પિટલમાંથી રિપોર્ટ આપવો પડશે અને સાબિત કરવું પડશે કે તેની પત્ની વિકલાંગ છે, જૂની બીમારીથી પીડિત છે અથવા બાળક પેદા કરવા માટે સક્ષમ નથી.”