ભારતમાં ત્રિપલ તલાકને કુપ્રથા તરીકે નાબૂદ કર્યાને હજુ થોડો જ સમય વિત્યો છે ત્યાંજ સમાજમાં આ કુપ્રથા યથાવત હોવાનો કિસ્સો ઉજાગર થયો છે. ઉત્તર પ્રદેશમાં એક બાવીસ વર્ષીય મહિલાને તેના સાસરિયા દ્વારા ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે જે પછી તેના મૃતદેહને આગ લગાવી દીધી હતી. આ અમાનવીય કૃત્ય સામે મૃતક મહિલાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, તેમની પુત્રીએ પતિ દ્વારા ફોન પર અપાયેલા ત્રિપલ તલાકનો છડેચોક વિરોધ કર્યો હતો. જેની સજા તેને મળી છે.
આ ઘટના ભારત-નેપાળ સરહદ નજીક ગદરા ગામની હતી. એક જ ગામમાં વસતા સઇદા અને નફીસે છ વર્ષ પહેલા નિકાહ કર્યા હતા. નફીસ મુંબઇમાં નોકરી કરે છે અને તેમને બે બાળકો છે. મૃતક મહિલાના પિતા દ્વારા આરોપ હતો કે, તેના પતિ અને સાસરિયા સઇદાને અવાર-નવાર માર મારતા હતા અને 6 ઓગસ્ટના રોજ નફીસે ફોન પર સઇદાને ત્રિપલ તલાક આપ્યા હતા.
મૃતકના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઇદના દિવસે નફીસ ઘરે આવ્યો હતો અને બંને પરિવારોએ સમાધાન કર્યું હતું. જે પછી સઇદાને સાસરે લઇ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સાસરિયાઓ દ્વારા તેની 6 વર્ષની પુત્રીની સામે જ તેની હત્યા કરી દેવાઇ અને તેના મૃતદેહને કેરોસીન છાંટી સળગાવી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગત મહિને જ કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકની કુપ્રથાને ગુનાહિત શ્રેણીમાં મુકવામાં આવી હતી. આ મામલે મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય સામે તપાસ પછી કાર્યવાહી કરવામાં આવશે.