કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ડાયાબીટિસ (Diabetes)ના લાખો દર્દીઓનો વધારો થવાની પુરી સંભાવના છે એવુ મહત્વપુર્ણ અવલોકન ગોત્રી જીએમઇઆરએસ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ કર્યુ છે. કોરોના વાયરસ કોવિડ-19એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે અને આ વાયરસને ખતમ કરવા માટે સમગ્ર માનવજાત કામે લાગી છે પરંતુ આ વાયરસ ખતમ થયા પછી પણ તેની અસરો ખૂબ લાંબા સમય સુધી જોવા મળશે.
Diabetes ના દર્દીઓમાં કોરોનાનું જોખમ
ડો. મિસ્ત્રી કહે છે કે ‘એક વાત તો હવે જાણીતી થઇ ગઇ છે કે Diabetesના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેમને કોરોનાનું સંક્રણ લાગવાની શક્યતાઓ વધુ હોય છે. અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં 14.5 ટકા દર્દીઓ Diabetesના હતા. વળી ડાયાબીટિક દર્દી હોય અને કોરોના થયો હોય તેવા દર્દીઓમાં મૃત્યુ દર પણ 7.3ટકા જેટલો ઊંચો નોંધાયો છે જે અન્ય દર્દીઓમાં સરેરાશ પાંચ ટકા છે’.
કોરોના ડાયાબીટિક દર્દીઓ માટે બેધારી તલવાર
ડો. મિસ્ત્રીએ આ અંગે વધુ વાત કરતા કહ્યુ કે ‘મે વડોદરામાં નોંધાયેલા 12,000થી વધુ પોઝિટિવ કેસ અને 200થી વધુ કોવિડ ડેથનો અભ્યાસ કર્યો છે આ ઉપરાંત વિશ્વના અલગ અલગ દેશોમાં નોંધાયેલા કોરોનાના કેસોનું પણ અવલોકન કર્યુ છે જેમાં એક વાત ઉડીને આંખે વળગી છે કે કોરોના રોગ એ ડાયાબીટિક દર્દીઓ માટે બેધારી તલવાર સમાન છે.
વાયરસનો પ્રતિકાર કરવાની ઓછી ક્ષમતાને લીધે થાય છે આ નુકશાન
એક તો આવા દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેથી સંક્રમણની શક્યતા વધુ રહે છે અને બીજુ કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ વાયરસનો પ્રતિકાર કરવાની ક્ષમતા પણ ઓછી હોવાના કારણે રેસ્પીરેટરી ફેઇલ્યોર, મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર, સાઇટોકાઇન સ્ટોર્મ જેવી ગંભીર સમસ્યાઓ ઉદ્ભવવાનું પણ મોટુ જોખમ હોય છે. આ બધી બાબતો ઉપરાંત વધુમાં એવુ જાણવા મળ્યુ છે કે કોરોનાના સંક્રમણ સાથે એવા દર્દીઓ આવી રહ્યા છે કે જેઓને હોસ્પિટલમાં આવ્યા બાદ જ ખબર પડે કે કોરોનાના સંક્રમણની સાથે તેમને Diabetes પણ છે.
ડાયાબીટિસ ન હોય તો થઇ જાય છે
દર્દીની હિસ્ટ્રી તપાસતા એવુ પણ જાણવા મળે કે તેમને ભૂતકાળમાં Diabetes હતો નહી. આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા દર્દીઓમાં શુગરનું પ્રમાણ 300 થી 500 જેટલુ ખૂબ ઊંચુ જોવા મળે છે. મતલબ કે ડાયાબીટિસ થયો છે તેવુ નિદાન સાથે શુગરનું પ્રમાણ પણ ઊંચુ આવે એટલે તેમને દવાને બદલે સીધા જ ઇન્સ્યુલિનના ડોઝ પર લઇ જવા પડે.
કોરોના ગ્લુકોઝની મેટાબોલિઝમ પર કરે છે આ અસર
આવુ કેમ થાય છે તે અંગે તપાસ કરતા જાણવા મળ્યુ કે કોરોના વાયરસ શરીરમાં ગ્લુકોઝની મેટાબોલિઝમ ખોરવી નાખે છે જેના કારણે કેટલાક દર્દીઓ ડાયાબીટિક પણ થઇ રહ્યા છે જેમાં યુવાન દર્દીઓનો પણ સમાવેશ થાય છે. મતલબ એ કે કોરોનાના કારણે હવે ભવિષ્યમાં ડાયાબીટિસના દર્દીઆની સંખ્યાંમાં મોટા પ્રમાણમાં વધારો થશે. હાલમાં વિશ્વમાં ૪૬.૩૦ કરોડ Diabetesના દર્દીઓ છે.
એસીઇ-૨ રિસેપ્ટર સાથે સંલગ્ન થઇને કોરોના આ અંગો સુધી પહોંચે છે
શરીરના કોષની ફરતે એક દીવાલ હોય છે જેમાં રહેલા પ્રોટિનમાં એસીઇ-૨ (એન્જિયોટેન્સીન કન્વર્ટિંગ એન્ઝાઇમ-૨) રિસેપ્ટર હોય છે તેની સાથે સંલગ્ન થઇ કોવિડ-૧૯ એટલે કે કોરોના વાઇરસ મનુષ્ય શરીરના કોષોમાં પ્રવેશ કરે છે. આ રિસેપ્ટર ફેંફસાના કોષો સિવાય સ્વાદુપિંડ, કિડની, આંતરડા અને ચરબીના કોષોમાં પણ હોય છે એટલે કોરોના વાઇરસ ફેંફસા ઉપરાંત આ મહત્વના અંગો સુધી પહોંચી જાય છે અને ગ્લુકોઝની મેટાબોલિઝમ (શુગરને કન્ટ્રોલમાં રાખતી સિસ્ટમ)ને ખોરવી નાખે છે જેના કારણે જેમને ડાયાબીટિસ નથી તેવા દર્દીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યા પછી ડાયાબીટિસ થઇ જાય છે અથવા તો જેમને ડાયાબીટિસ છે તેમના શુગરના પ્રમાણમાં પુષ્કળ વધારો જોવા મળે છે. આવા દર્દીઓમાં મુશ્કેલી એ થાય છે ક શુગરને કન્ટ્રોલ રાખવા ઇન્સ્યુલિનના હેવિ ડોઝ આપવા પડે ઉપરથી સાઇટોકાઇન સ્ટોર્મને પણ કાબૂમાં રાખવા સ્ટીરોઇડનો ઉપયોગ કરવો પડે અને આ વિષચક્રના કારણે આવા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યુ છે.