પાસપોર્ટ ઈન્ડેકસના રેન્કિંગ અનુસાર સિંગાપુરના પાસપોર્ટને દુનિયાનો સૌથી શકિતશાળી પાસપોર્ટ માનવામાં આવ્યો છે. સિંગાપુરનો વીઝા-ફ્રી સ્કોર ૧૫૯ છે.આ પહેલી ઘટના છે કે કોઈ એશિયન દેશના પાસપોર્ટને સૌથી શકિતશાળી પાસપોર્ટ ગણવામાં આવ્યો હોય. આ લિસ્ટમાં ગત વર્ષની સરખામણીમાં ભારતે ત્રણ સ્થાનની છલાંગ લગાવતા ૭૫મું સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે ભારતીય પાસપોર્ટ 78મુ સ્થાન ધરાવતો હતો.
પેરાગ્વે દ્વારા સિંગાપુરના પાસપોર્ટધારકો માટેના નિયમોમાં ઢીલ આપવામાં આવતા સિંગાપુર પ્રથમ સ્થાને પહોંચ્યુ. આ ઈન્ડેકસમાં જર્મની ૧૫૮ના સ્કોર સાથે બીજા અને સ્વીડન ૧૫૭ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે.
આ રેન્કિંગમાં સંયુકત રાષ્ટ્રના ૧૯૩ સભ્ય દેશોને સ્થાન આપવામાં આવ્યા છે. આ લિસ્ટમાં વર્ષોથી યૂરોપિયન દેશોનું વર્ચસ્વ જોવા મળતું હતું અને જર્મની છેલ્લા બે વર્ષથી ટોપ પર હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકાની રેન્કિંગમાં ઘટાડો થયો છે. લિસ્ટમાં છેલ્લા ક્રમે અફઘાનિસ્તાન અને તેના પછી પાકિસ્તાન છે.