કોરોનાવાઈરસને લીધે મોટા ભાગના દેશોમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન લાગુ છે. લોકડાઉનમાં વ્યક્તિ એકલતા અનુભવે છે તેનાથી તેની સ્મોકિંગ અર્થાત ધૂમ્રપાનની આદત તીવ્ર બની શકે છે, અને આ તીવ્રતા એ હદે હોઈ શકે છે કે આદત છોડવી જ મુશ્કેલ બની જાય. બ્રિટનના સંશોધકોએ કરેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે. સંશોધકોએ લોકડાઉનમાં એકલતા અને ધૂમ્રપાન પર રિસર્ચ કર્યું હતું.
રિસર્ચમાં સામે આવ્યું કે, લોકડાઉનમાં એકલા રહેતા લોકોને સ્મોકિંગની આદત લાગી શકે છે અને જે લોકો પહેલાંથી સ્મોકિંગ કરે છે તો તેમનાં ધૂમ્રપાન કરવાની સંખ્યામાં વધારો થઈ શકે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના સંશોધકો અનુસાર 1,000 માંથી 100 લોકોનું માનવું છે કે એકલતા જ સ્મોકિંગનું મુખ્ય કારણ છે. સિગારેટ લોકોની એકલતા વધારે છે કારણ કે તેમાં રહેલું નિકોટિનથી મગજમાં હેપ્પીનેસ હોર્મોન ‘ડોપામાઈન’ રિલીઝ થાય છે, જે તેમને સારું મહેસૂસ કરાવે છે તેથી લોકો વારંવાર ધૂમ્રપાન કરે છે.