ઈંગ્લેન્ડના બોરોડેલમાં પર્વતો પર ચડાણ કરવા ગયેલો 19 વર્ષીય યુવક એકાએક 26 ફૂટ નીચે પટકાયો હતો પરંતુ તેણે હેલ્મેટ પહેરેલું હોવાથી તે પોતાનો જીવ ગુમાવતા બચ્યો છે. હાલ ઈન્ટરનેટ પર તેનું લોહીલુહાણ થયેલા હેલ્મેટની તસવીરો વાઈરલ થઈ રહી છે. બોરોડેલના પર્વતીય વિસ્તાર શેફર્ડક્રેગમાં કેટલાક લોકોનું ગ્રૂપ માઉન્ટેન ક્લાઈમિંગ માટે આવ્યું હતું. તેમાંથી એક આ 19 વર્ષીય યુવાન છોકરો પણ હતો.
ખડકો પરથી પસાર થતી વખતે એકાએક આ છોકરો 26 ફૂટ નીચે માથાના બળે પટકાયો હતો. જોકે નવાઈની વાત એ હતી કે તેને માત્ર સામાન્ય ઈજા પહોંચી હતી પરંતુ તેનું હેલ્મેટ લોહીલુહાણ હતું અને તેમાં તિરાડો પણ આવી હતી. ખભામાં થોડી ઈજા પહોંચી હતી અને માથામાં ઘા પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ એર અને રોડ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને તેને પ્રાથમિક સારવાર આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે તેને માત્ર 1 દિવસની સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.