બ્રાઝિલનું એમેઝોન જંગલ કોરોનાવાઈરસનું હોટ સ્પોટ બની શકે છે. આગામી મહામારી એમેઝોન જંગલથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. આ ચેતવણી બ્રાઝિલના ઈકોલોજિસ્ટ ડેવિડ લેપોલાએ કરી છે. ડેવિડના જણાવ્યા અનુસાર આ જંગલ વાઈરસનું ઘર છે અને માણસોની ગતિવિધિ આ જંગલોમાં વધી રહી છે. વૃક્ષોનું પતન કરવામાં આવી રહ્યું છે અને વન્યજીવોથી તેમનું ઘર છીનવાઈ રહ્યું છે. 38 વર્ષના ડેવિડ લેપોલા એક સંશોધક છે. મનુષ્યોની ગતિવિધિને લીધે જંગલોનાં વાતાવરણ પર કેવી અસર પડશે તેનાં પર રિસર્ચ કરી રહ્યા છે.
મનુષ્યોની ગતિવિધિની અસરો એમેઝોનના જંગલો પર જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જંગલોમાં શહેરીકરણને લીધે ઝિનોટિક ડિસીઝમાં વધારો થઈ રહ્યો છે. પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાતા રોગને ઝિનોટિક ડિસીઝ કહેવામાં આવે છે. તેમાં કોરોનાવાઈરસને પણ સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ કોરોનાવાઈરસ મનુષ્યો પહેલાં ચામાચીડિયામાં ફેલાયો છે. ડેવિડના જણાવ્યા અનુસાર, દુનિયાનું સૌથી મોટું જંગલ પતન થવાના આરે છે.
બ્રાઝિલના નેશનલ સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા એમેઝોનની સેટેલાઈટ તસવીરો લેવામાં આવી હતી. તસવીરો મુજબ આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી 1202 વર્ગ કિલોમીટર જંગલ નાશ પામ્યું છે. ડેવિડના જણાવ્યા અનુસાર. જ્યારે પર્યાવરણનું સંતુલન બગડે છે ત્યારે વાઈરસ વન્યજીવોમાંથી મનુષ્યોમાં પહોંચે છે.