ટેક જાયન્ટ એપલ તેના નેક્સ્ટ જનરેશન ‘આઈફોન 12’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. અત્યાર સુધી ફોનનાં અનેક લીક સામે આવી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અપકમિંગ આઈફોન અમેરિકન બિઝનેસમેન એલન મસ્કની સ્પેસએક્સ કંપનીની થીમ પર લોન્ચ થશે. ફોન એસેસરીઝ બનાવનાર રશિયાની કંપની કેવિયર ‘આઈફોન 12’ના કસ્ટમાઈઝ્ડ ડિઝાઈન ‘મસ્ક બી ઓન માર્શ’નું પ્રિ બુકિંગ શરૂ કર્યું છે. આ ફોનની કિંમત 3.5 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ફોક્સ બિઝનેસના રિપોર્ટ અનુસાર, આઈફોન 12ની આ એડિશનની કિંમત $5000 (આશરે 3.7 લાખ રૂપિયા) હોઈ શકે છે. આ વેરિઅન્ટમાં એલન મસ્કની સિગ્નેચર પણ મળશે. કેવિયર કંપની આઈફોનનાં લક્ઝરી વેરિઅન્ટ તૈયાર કરે છે. તેમાં ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ કરવામાં આવે છે. 8 સપ્ટેમ્બરે આઈફોન 12 લોન્ચ થઈ શકે છે. ટેક ટિપ્સ્ટર iHacktu પ્રોના ટ્વીટ અનુસાર, એપલ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્પેશલ ઈવેન્ટ યોજશે. 8 સપ્ટેમ્બરે યોજાનાર ઈવેન્ટમાં ‘આઈફોન 12’ લોન્ચ થઈ શકે છે. તેમા 5G કનેક્ટિવિટી મળી શકે છે. કંપની નવી એપલ વોચ પણ લોન્ચ કરી શકે છે.