નવી દિલ્હીઃ અત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દુનિયા આખી કોરોનાના ભય હેઠળ જીવી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ બીજા મોટા ખતરાની ચેતવણી આપી છે. નવા અહેવાલમાં દાવો થયો હતો કે દુનિયાભરમાંથી દર વર્ષે 328 અબજ ટન બરફ પીગળી જાય છે. છેલ્લાં 20 વર્ષની સેટેલાઈટ ઈમેજનો અભ્યાસ કરીને તારણ રજૂ થયું હતું કે દર વર્ષે 31 ટકાના દરે બરફ પીગળી રહ્યો છે. 15 વર્ષ પહેલાં આવી સ્થિતિ ન હતી. જો આવી સ્થિતિ રહેશે તો દુનિયાની જળસપાટી વધારે ઊંચી આવી જશે.
સાયન્સ મેગેજિન નેચરમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો કરાયો હતો કે દર વર્ષે 297,556,594,720,000 કિલો બરફ પીગળી જાય છે. વિજ્ઞાનિકોના કહેવા પ્રમાણે 2021થી દર વર્ષે દુનિયાના 2,20,000 બર્ફિલા પર્વતોમાંથી 328 અબજ ટન બરફ પીગળી જાય છે. 2000થી 2004ની સરખામણીએ 2015થી 2019ની વચ્ચે સરેરાશ 78 અબજ ટન બરફ વધુ પીગળ્યો હતો.
ફ્રાન્સની યુનિવર્સિટીના ગ્લેશિયર વિજ્ઞાની રોમેઈન હ્યુગોનેટના કહેવા પ્રમાણે દુનિયાભરનો બરફ જો ક્યાંય સૌથી વધુ પીગળ્યો હોય તો એ અમેરિકા અને કેનેડામાં પીગળ્યો છે. અલાસ્કાસ્થિત કોલંબિયા ગ્લેશિયલ દર વર્ષે લગભગ 115 ફૂટ પીગળી જાય છે. છેલ્લાં 20 વર્ષમાં બરફ પીગળવાની ઝડપ વધી છે. બે ગણી ઝડપથી બરફ પીગળી રહ્યો છે.
વિજ્ઞાનિકોએ છેલ્લાં 20 વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો હતો. 2000ના વર્ષની સેટેલાઈટ ઈમેજ અને 2020ના વર્ષની સેટેલાઈટ ઈમેજની સરખામણી કરવામાં આવી હતી. અહેવાલમાં કહેવાયું હતું કે વર્ષો સુધી સુરક્ષિત રહેલાં તિબેટના ગ્લેશિયર પણ ઝડપભેર પીગળી રહ્યા છે.
વર્લ્ડ ગ્લેશિયર મોનિટરિંગ સર્વિસના ડિરેક્ટર માઈકલ જેપના કહેવા પ્રમાણે આ એટલો બરફ છે કે જો અચાનક એક જ વર્ષમાં પીગળી જાય તો સ્વિટ્ઝર્લેન્ડ 24 ફૂટ પાણીમાં ડૂબી જાય. બરફ પીગળવા પાછળ ગ્લોબલ વોર્મિંગ સૌથી મહત્વનું પરિબળ છે.