અમેરિકાની ગુપ્તચર એજન્સી FBI એ ચીનની ચાલબાજી અંગે મહત્ત્વના ખુલાસા કર્યા છે. FBI ના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ હડસન ઈન્સ્ટિટ્યુટના કાર્યક્રમમાં કહ્યું કે, ‘ચીન અમેરિકા માટે સૌથી મોટું જોખમ છે. અમે દર 10 કલાકમાં ચીનની જાસુસી હરકતો સાથે જોડાયેલો ઓછામાં ઓછો એક કેસ નોંધી રહ્યા છીએ. અત્યારે દેશમાં જાસુસીનાં 5 હજાર કેસ છે, જેમાંથી 50% ચીન સાથે જોડાયેલા છે.’ ચીન સરકારે ‘ફોક્સ હન્ટ’ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં તે વિદેશમાસ રહેતા એ ચીની નાગિરકોને નિશાન બનાવી રહ્યું છે, જે તેના રાજકીય હરીફ, ટીકાકાર કે ચીનમાં ચાલુ માનવાધિકાર આંદોલનને જાહેર કરવા માગે છે. ચીન તેમને જબરદસ્તીથી પાછા બોલાવવા માગે છે.
એક કેસમાં તે ‘ફોક્સ હન્ટ’ ટાર્ગેટ શોધી ના શક્યું તો તેણે અમેરિકાના એક પરિવાર સુધી દૂત મોકલ્યો હતો. દૂતે પરિજન દ્વારા ચીની નાગરિક સુધી સંદેશો મોકલતા કહ્યું કે, તે ચીન પાછો ફરે કે આત્મહત્યા કરી લે. ચીન ડેટા, પૈસા ચોરી રહ્યું છે. તે લાંચ અને બ્લેકમેઈલિંગ દ્વારા અમેરિકાની નીતિઓને પ્રભાવિત કરવાનાં પ્રયાસ કરી રહ્યું છે. આ રીતે ચીન સુપરપાવર બનવાનાં પ્રયાસ કરી રહ્યું છે. ચીનના આ જોખમ અંગે અમેરિકાના એટોર્ની જનરલ અને વિદેશ મંત્રી પણ ધ્યાન આપશે. આ સપ્તાહે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ કહ્યું હતું કે, અમેરિકામાં ચીનમાં બનેલી અનેક એપ બેન કરવા પર વિચારણા ચાલે છે, જેમાં ટિકટોક પણ સામેલ છે.