અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ઓ બ્રાયને કહ્યું કે, પાછલા 20 વર્ષમાં ચીનથી પાંચ મહામારી આવી છે અને તેને કોઈને કોઈ બિંદુએ તો રોકવી પડશે જ. તેમણે દુનિયાભરમાં 2,50,000 લોકોનો ભોગ લેનારી મહામારી કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે. ઓ બ્રાયને મંગળવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, દુનિયાભરના લોકો ઊભા થશે અને ચીન સરકારને કહેશે કે, અમે ચીનથી નીકળી રહેલી આ મહામારીઓને સહન કરીશું નહીં. પછી તે જીવિત પશુ બજારમાંથી નીકળી રહી હોય કે પછી પ્રયોગશાળાઓમાંથી. તેમણે કહ્યું કે, અમને ખબર છે કે આ કોરોના વાયરસ મહામારી વુહાનથી નીકળી છે અને પરિસ્થિતિજન્ય પુરાવા છે જે જણાવે છે કે, આ મહામારી કોઈ પ્રયોગશાળા કે પશુ બજારમાંથી નીકળી છે.
NSAએ કહ્યું કે, પાછલા 20 વર્ષમાં ચીનથી 5 મહામારી નીકળી છે. સાર્સ, એવિયન ફ્લૂ, સ્વાઈન ફ્લૂ અને હવે કોવિડ-19. જન સ્વાસ્થ્ય આવી ભયાનક પરિસ્થિતિની સાથે દુનિયા આખરે કઈ રીતે રહી શકે, જેની શરૂઆત ચીનથી થઈ હોય અને હવે તે પૂરી દુનિયામાં ફેલાઈ ગઈ છે. તેમણે એ નહીં જણાવ્યું કે, ચીનથી નીકળેલ પાંચમી મહામારી કઈ છે. ઓ બ્રાયને કહ્યું કે, આને કોઈને કોઈ રીતે તો રોકવું જ પડશે. અમે ચીનને મદદ માટે સ્વાસ્થ્ય નિષ્ણાતોને મોકલવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો જેનો તેમણે અસ્વીકાર કરી લીધો.
ચીને ભવિષ્યમાં આના ખતરાને રોકવા પડશે
ઓ બ્રાયને કહ્યું કે, કોરોના વાયરસના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા થંભી ગઈ છે. પાછલા 20 વર્ષોમાં પાંચમી વાર આવું બન્યું છે. ચીને આવું થતા રોકવું જોઈતું હતું. ચીનને બાકી દુનિયાની મદદની જરૂર છે. લોકોના સ્વાસ્થ્ય સંકટને લઈને અમે ચીનની મદદ કરવા તૈયાર છીએ જેથી બીજીવાર આવું નહીં બને.
અમેરિકા અને ચીનની વચ્ચે ટકરાવ વધી શકે છે. અમેરિકન સેનેટે ચીન પર બેન લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રિપબ્લિકન સાંસદોએ એવો કાયદો લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો કે, જેથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન પર બેન લગાવવાની તાકાત મળે. અમેરિકાના રિપબ્લિકન સાંસદોનું કહેવું છે કે, ચીન મહામારીને લઈને જાણકારી છુપાવી રહ્યું છે, તેના પર બેન લગાવવો જોઈએ. ચીને શરૂઆતથી જ દગો આપ્યો છે, જેને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે.