ભારત સહિત દુનિયામાં ઘણા એવા પ્રાચીન મંદિરો છે કે, જેમના પોતાના અનેક રહસ્યો છે. થાઈલેન્ડના કંચનબરી શહેરમાં આવેલું મંદિર અન્ય મંદિર કરતાં અલગ છે, કારણ કે અહિ મંદિરમાં મુક્તપણે માણસો સાથે વાઘ ફરતાં જોવા મળશે. દુનિયાભરના લોકો આ મંદિરમાં વાઘની મનુષ્યો સાથેની મિત્રતા જોવા આવે છે. આ મંદિર સાથે રસપ્રદ વાર્તા પણ સંકળાયેલી છે. વર્ષો પહેલાં થાઈલેન્ડમાં જંગલી પ્રાણીઓના શિકારના કેસ વધી ગયા હતા.
આ દરમિયાન કંચનબરીના બૌદ્ધ મંદિરોએ આ પ્રાણીઓની દેખભાળ કરવાનો નિર્ણય લીધો. વર્ષ 1999માં એક ગ્રામીણ બૌદ્ધ ભિક્ષુને વાઘનું એક નાનકડું બચ્ચું આપી ગયો, તેની માતા શિકારમાં મૃત્યુ પામી હતી. તે સમયથી મંદિરમાં ધીમે-ધીમે વાઘની સંખ્યા વધતી ગઈ. ગામવાસીઓ ભિક્ષુકોને વાઘના બચ્ચાં સોંપતા ગયા ને ભિક્ષુકો તેની દેખભાળ રાખવાની સાથે તેમને શાંતિથી રહેવાની ટ્રેનિંગ પણ આપતા ગયા. મંદિરમાં વાઘ છૂટથી ફરતાં હોય છે એવું નથી પણ તેઓ પ્રવાસીઓ સાથે પણ રમે છે અને કોઈ નુકસાન પહોંચાડતા નથી.