ભારત સહીત વિશ્વભરમાં નવું વર્ષ 2020ની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. વર્ષની શરૂઆત થતાજ લોકોના મનમાં એક અલગ જ ઉત્સાહ છે, ત્યારે દુનિયામાં એક એવો દેશ પણ છે જે, આપણા બધાથી 7 વર્ષ 3 મહીના પાછળ ચાલી રહ્યો છે. આ દેશમાં હજુ પણ 2013નું વર્ષ ચાલી રહ્યું છે અને અહીં 1 વર્ષમાં 12 નહી પરંતુ, 13 મહિના હોય છે. વિશ્વના આ અજીબ દેશનું નામ છે ઈથિયોપિયા. આ દેશની રાજધાની અદીસ અબાબા છે. ઈથિયોપિયા આફ્રિકાનો સૌથી જૂનો અને આઝાદ દેશ છે. જે આર્મેનિયા બાદ દુનીયાનો બીજો સૌથી જૂનો સત્તાવાર ખ્રિસ્તી રાષ્ટ્ર છે.
વર્લ્ડોમીટર્સ ઈલેબોરેશન ઓફ લેટેસ્ટ યૂનાઈટેડ નેશન્સના આંકડાઓ પ્રમાણે ઈથિયોપિયાની વર્તમાન જનસંખ્યા લગભગ 11.40 કરોડ છે. વિશ્વમાં પહેલા જૂલિયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો ત્યારબાદ 1582માં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત થઈ હતી. લગભગ બધા જ દેશમાં આ કેલેન્ડરને અપનાવી લીધું હતું, પરંતુ કેટલાક દેશોએ તેનો વિરોધ કર્યો હતો, એટલે જ ઈથિયોપિયા પણ આ કેલેન્ડરનો વિરોધ કરી રહ્યો હતો અને આ દેશમાં ક્યારેય પણ જૂલિયન અને ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવ્યું નથી. તેથી જ આજે પણ અહીં ઈથિયોપિયન કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે.