વિશ્વભરમાં જ્યારે કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયાને મહિનાઓ થઇ ગયા છે અને લાખો લોકો આના ચેપનો ભોગ બન્યા છે ત્યારે વિશ્વનો (World) એક મોટો જમીન ભાગ એવો છે કે જ્યાં આ કોરોનાવાયરસ હજી પહોંચ્યો નથી અને વિશાળ ભૂમિ વિસ્તાર છે એન્ટાર્કટિકા ખંડ (continent of Antarctica).
પૃથ્વીના છેક દક્ષિણ ભાગમાં આવેલો અને કાયમ બરફથી છવાયેલો રહેતો આ ખંડ આમ તો નિર્જન છે પરંતુ ત્યાં સંશોધન પ્રવૃત્તિઓ કરવા ગયેલા કે ખનીજો શોધવા કે સાહસ મિશન પર ગયેલા લોકોને ગણીએ તો થોડીક વસ્તી આ ખંડ પર ગણી શકાય ખરી. તેની બરફથી છવાયેલી જમીન પર કાયમી ધોરણે સંશોધકોની કેટલીક છાવણીઓ ઉભી કરવામાં આવી છે અને તેમને જ આ ખંડની નાનકડી ટાઉનશીપો ગણી શકાય. હાલમાં વૈજ્ઞાનિકો અને અન્યો મળીને લગભગ એક હજાર જેટલા લોકોની હાજરી આ ખંડ પર છે અને તેઓ સપ્તાહમાં કે ક્યારેક તો મહિનામાં માંડ એકાદ વખત સૂર્ય જૂએ છે. અહીં રહેતા ફિલ્ડ ગાઇડ રોબ ટેઇલર આ ખંડને ‘અમારો સલામત નાનકડો પરપોટો’ ગણાવે છે. દુનિયાના અન્ય ભાગો જ્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, લોકડાઉન જેવા જાત જાતના નિયંત્રણો અને નિયમો જોઇ ચુક્યા છે અને હજી પણ કેટલાક નિયંત્રણો હેઠળ જીવે છે ત્યારે આ ખંડ આવા નિયંત્રણોથી સંપૂર્ણ મુક્ત છે અને અહીં વસેલા લોકો સામાન્યપણે એકબીજા સાથે હળીભળી શકે છે તથા જીમ જેવા સ્થળોનો ઉપયોગ કરી શકે છે. ”સીધું કહીએ તો હાલ યુ.કે. કરતા વધુ આઝાદી અમે અહીં ભોગવીએ છીએ” એ મુજબ મૂળ યુ.કે.ના એવા ટેઇલર કહે છે જેઓ ઓકટોબરમાં અહીં આવ્યા હતા અને તેઓ આ રોગચાળાનો માહોલ જોવાનું ચુકી ગયા. જો કે અહીં પણ હવે ઇન્ટરનેટ ચાલે છે અને તેના વડે અહીં રહેતા લોકો પૃથ્વીના અન્ય ભાગોનો માહોલ જોઇ શકે છે.