અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણય લઈ રહ્યા છે. તેમણે કાર્યભાર સંભાળતા જ ઓસામા બિન લાદેનના ખાસ મિત્ર કહેવાતા ખાન મોહમ્મદને ગ્વાંતાનામો જેલથી મુક્ત કરીને સૌને ચોંકાવી દીધા છે, જો કે તેના બદલામાં અફઘાનિસ્તાનની તાલીબાન સરકારે બે અમેરિકન નાગરિકોને જેલથી આઝાદ કરી દીધા છે.
જો કે, એક પાકિસ્તાની નાગરિક ડોક્ટર આફિયા અંગે અમેરિકન સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તાલીબાને કથિત અપરાધોના આરોપોમાં અમેરિકન નાગરિકોને બંધક બનાવ્યા હતાં. તાલીબાને માગ કરી હતી કે અમેરિકન નાગરિકોના બદલામાં અમેરિકાની જેલમાં કેદ અફઘાની આતંકી અને એક પાકિસ્તાની આતંકી ડોક્ટર આફિયાને મુક્ત કરવામાં આવે.
આ મામલે લાંબી મંત્રણા થઈ. બાઈડન સરકારે શરૂઆતમાં જ તાલીબાનની માગને ફગાવી દીધી હતી. તાલિબાનની અફઘાન સરકારે અમેરિકાથી ત્રણ અમેરિકન કેદીઓના બદલામાં એક અફઘાની કેદી ખાન મોહમ્મદને મુક્ત કરવાની માગ કરી હતી. ખાન મોહમ્મદ લાદેનનો ખાસ મિત્ર ગણાતો હતો. તાલીબાને કહ્યું હતું કે જ્યાં સુધી ખાન મોહમ્મદને મુક્ત નહીં કરાય ત્યાં સુધી અમે કોઈ કેદીને મુક્ત નહીં કરીએ.
ખાન મોહમ્મદની બે દાયકા પહેલા નંગરહાર પ્રાંતમાંથી ધરપક કરાઈ હતી અને કેલિફોર્નિયામાં આજીવન કારાવાસની સજા ફટકારાઈ હતી.
જો કે હવે ટ્રમ્પ સરકારે બાઈડન સરકારનો નિર્ણય પલટી નાખતા બે અમેરિકન નાગરિક રાયન કોર્બેટ અને વિલિયમ મેકેન્ટીના બદલામાં ખાન મોહમ્મદને મુક્ત કરી દીધો છે.