લૉકડાઉનમાં 40 દિવસના પ્રયોગ પછી યુએઈએ એ સાબિત કરી દીધું કે રેતીમાં પણ તરબૂચ અને ગલકાં જેવાં ફળ-શાકભાજીની ખેતી કરી શકાય છે. યુએઈ રણમાં ઘેરાયેલો દેશ છે, જે તેનાં તાજા ફળ-શાકભાજીની 90 ટકા જરૂરિયાત આયાત કરીને પૂરી કરે છે. તેના માટે રણને ફળ અને શાકભાજીના બગીચામાં રૂપાંતરિત કરવાની આશા કોઈ અજાયબીથી ઓછી નથી. વિજ્ઞાનીઓને રણમાં આ સફળતા લિક્વિડ નેનોક્લે પદ્ધતિ એટલે કે ભીની ચીકણી માટીને કારણે મળી છે. સિવર્ટ્સને કહ્યું કે 40 ચો.ફૂટના શિપિંગ કન્ટેનરમાં લિક્વિડ નેનોક્લેની ફેક્ટરી બનાવાશે. આવા અનેક કન્ટેનર રણવાળા દેશોમાં સ્થાપિત કરાશે જેથી સ્થાનિક માટીનો ઉપયોગ કરીને તે દેશના રણમાં ખેતી કરી શકાય. આવા દરેક કન્ટેનરથી 40 હજાર લિટર લિક્વિડ નેનોક્લેનું પ્રતિકલાકની ઝડપે ઉત્પાદન કરાશે. તેનો ઉપયોગ યુએઈના સિટી પાર્કલેન્ડમાં કરાશે. વિજ્ઞાનીઓનો અંદાજ છે કે આ પદ્ધતિમાં પાણીનો ઉપયોગ 45 ટકા સુધી ઘટી જશે. હાલ એક ચો.મીટર જમીન પર આ ટેક્નોલોજીના ઉપયોગ પાછળ બે ડોલર એટલે કે 150 રૂપિયાનો ખર્ચો થાય છે. ગરીબ દેશોમાં તેનો ઉપયોગ કરવા માટે આ કિંમત 10 ગણી ઘટાડવાની જરૂર છે.