વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને જાહેરાત કરી છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. બાઈડેનની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે તાલિબાન ઝડપથી જિલ્લાઓ અને નગરો પર કબજો કરી રહ્યા છે. અફઘાન શાંતિ મંત્રણામાં ભાગ લેવા ઉપરાંત તાલિબાન વધુને વધુ ક્ષેત્ર પર કબજો કરી રહ્યું છે.
જો બાઈડેને પોતાના સંબોધનમાં કહ્યું, “યુએસ સૈન્યએ ઓસામા બિન લાદેનને મારવા, અલ-કાયદાને ખતમ કરવા અને અમેરિકા પર હુમલા રોકવા જેવા બધા લક્ષ્યો હાંસલ કર્યા છે. અમેરિકા એ નીતિઓ પર અટકી શકે નહીં, જે 20 વર્ષ પહેલાં ની દુનિયામાં પ્રતિક્રિયા આપવા માટે બનાવવામાં આવી હતી. બાઈડેને વધુમાં કહ્યું, “અમેરિકા દેશના નિર્માણ માટે અફઘાનિસ્તાન ગયો ન હતો અને અફઘાન લોકોએ તેમના ભાવિનો નિર્ણય લેવો જોઈએ.” બાઈડેને અફઘાન સુરક્ષા દળો પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, મને તાલિબાન પર વિશ્વાસ નથી, પરંતુ હું અફઘાન સૈન્યમાં વિશ્વાસ કરું છું. અમેરિકન રાષ્ટ્રપતિએ પણ સ્વીકાર્યું છે કે તાલિબાન પર વિશ્વાસ કરવો યોગ્ય નથી.
અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ વણસી રહી છે
આપને જણાવી દઈએ કે તાલિબાન સૈન્ય દ્વારા અફઘાનિસ્તાનના નવા વિસ્તારો પર સતત કબજો કર્યા પછી, ત્યાંની સુરક્ષાની પરિસ્થિતિ ઝડપથી બગડતી જાય છે. યુ.એસ. દ્વારા તેના તમામ સૈનિકો પરત ખેંચવાના નિર્ણય બાદ તાલિબાન સૈન્ય વધુને વધુ નવા જિલ્લા પર કબજો કરી રહ્યા છે, જ્યારે અફઘાન સુરક્ષા દળો પોતાનો જીવ બચાવવા અન્ય સ્થળોએ ભાગી રહ્યા છે.