નવી દિલ્હી : લંડન હાઇકોર્ટે દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાને મોટી રાહત આપી છે અને હાલમાં નાદારી જાહેર કરવાની માંગને ફગાવી દીધી છે. હકીકતમાં એસબીઆઈની આગેવાની હેઠળની ભારતીય બેંકોના જૂથે લંડન હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ પિટિશનમાં બેંકે લોનના ભારથી ઉદ્યોગપતિને નાદાર જાહેર કરવાની માંગ કરી હતી, જેથી માલ્યા પાસેથી આશરે 1.145 અબજનું દેવું વસૂલવામાં આવે. પરંતુ લંડન હાઇકોર્ટે આ કેસમાં સુનાવણી મુલતવી રાખી છે.
માલ્યાને રાહત આપતા હાઈકોર્ટની ઇનસોલ્વન્સી શાખાના ન્યાયાધીશ માઇક બ્રિગ્સે જણાવ્યું હતું કે, “તેમને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ અને કર્ણાટક હાઈકોર્ટમાં સમાધાન માટેની તેમની દરખાસ્તનો નિકાલ થાય ત્યાં સુધી તેમને સમય આપવામાં આવવો જોઈએ.”
‘ચીફ ઇનસોલ્વન્સી એન્ડ કંપની કોર્ટ’ના જજ બ્રિગ્સે ગુરુવારે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, આ સમયે બેંકોને આવી કાર્યવાહી કરવાની તક આપવાનું કોઈ કારણ નથી.
જણાવી દઈએ કે, ભારતીય જાહેર ક્ષેત્રના બેંક જૂથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં માલ્યાને નાદાર જાહેર કરવાની વિનંતી કરી છે. જેથી તેમાંથી લગભગ 1.145 અબજ પાઉન્ડનું દેવું વસૂલ થઈ શકે.