યુનાઈટેડ કિંગ્ડમમાં આવેલાં સ્કોટલેન્ડમાં અનોખી સમુદ્રી સ્પર્ધામાં ત્રણ ભાઈઓએ ભાગ લઈને 35 દિવસ, 9 કલાકમાં એટલાન્ટિક મહાસાગર 3000 માઈલ એટલે કે 4828 કિલોમીટર પાર કરીને ત્રણ નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ સ્પર્ધા જીતવા માટે તેમને 2,50,000 પાઉન્ડની રકમ દાનમાં મળી હતી. આ બધી જ રકમ તેમણે મેડાગાસ્કરના નિ:સહાય બાળકોનો ઉછેર કરનારી એક ચેરિટી સંસ્થા ‘નેશનલ ચિલ્ડ્રન્સ’ સંસ્થાને દાનમાં આપી દીધી છે. ‘એટલાન્ટિક કેમ્પેઈન’ના બેનર હેઠળ આયોજિત આ રેસને દુનિયાની સૌથી અઘરી ‘રોઈંગ રેસ’ કહેવાય છે. આ ત્રણ યુવાનોના નામ ખલૈન, જેમી અને ઈવાન છે. તેમના જણાવ્યા અનુસાર, સ્પર્ધામાં ભાગ લેવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ આ સંસ્થાના નાણાની જરૂરિયાત પૂરી કરવા માટે તેમણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો. રેસ દરમિયાન અનેક વખત એવું લાગ્યું કે, તેમનું જીવન સમાપ્ત થઈ જવાનું છે. ઈવાને જણાવ્યું કે, આમ તો કેટલાક મહિનામાં તમે સામાન્ય રીતે સમુદ્ર પાર કરી શકો છો, પરંતુ સ્પર્ધાના સ્વરૂપમાં જે ગતિથી તમારે લહેરો અને સમુદ્રી જીવોનો સામનો કરવો પડે છે, તેમાં જીવનું જોખમ દરેક ક્ષણે રહે છે. આ સ્પર્ધામાં કુલ 30 ટીમે ભાગ લીધો હતો.
સ્પર્ધા જીતવાની સાથે જ આ ત્રણ ભાઈઓએ અનેક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. પહેલો, પ્રથમ વખત ત્રણ ભાઈઓએ કોઈ મહાસાગર પાર કર્યો છે. બીજો, એટલાન્ટિક પાર કરનારા સૌથી ઝડપી ત્રણ સ્પર્ધક અને ત્રીજો, સૌથી નાની ઉંમરના યુવાનનો રેકોર્ડ. આ અગાઉ એટલાન્ટિક સાગર પાર કરવાનો રેકોર્ડ 41 દિવસનો રહ્યો છે. સૌથી નાના ભાઈ લાખલૈને જણાવ્યું કે, ‘આ યાત્રા અવિશ્વસનીય રીતે અઘરી હતી, પરંતુ જે રીતે અમે શારીરિક અને માનસિક સંતુલન જાળવી રાખ્યું, દરેક પડકારનો સામનો કર્યો, તે જ અમારી સફળતાનું રહસ્ય છે. અમારા ત્રણેયના મગજમાં માત્ર એક જ વાત હતી કે, અનાથ બાળકોની મદદ માટે સ્પર્ધા જીતવી છે.’ જેમી ગ્લાસગો યુનિવર્સિટી અને લખલૈન સ્કૂલ ઓફ આર્ટનો વિદ્યાર્થી છે. જેમી બ્રિસ્ટલમાં એક ડિઝાઈન એન્જિનિયર છે.