વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નને લગતા પોતાના વલણો હોય છે, જે તે સ્થાનની સંસ્કૃતિ પણ દર્શાવે છે. જો કે, આમાંથી કેટલીક પરંપરાઓ છે, જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. આવી જ એક પરંપરા ઉત્તર આફ્રિકાના પશ્ચિમ ભાગમાં સ્થિત મૌરિટાનિયામાં પણ છે. અહીં છોકરીઓ લગ્ન માટે જાડી (ચરબીયુક્ત) હોવી જોઈએ, જેના માટે તેઓને વિશેષ ખોરાક આપવામાં આવે છે અને ખવડાવવામાં આવે છે.
પાતળી છોકરીને નથી કરાતી પસંદ
મૌરિટાનિયા એક એવો દેશ છે જ્યાં છોકરીઓને છોકરાઓ કરતા વધારે ખોરાક આપવામાં આવે છે. જો છોકરી લગ્નની વય સુધી તેના શરીરને ચરબીયુક્ત ન બનાવી શકે, તો પછી તેને વર મળવો મુશ્કેલ બને છે. ખરેખર, મેદસ્વીતા અહીં સમૃદ્ધિ અને સુંદરતામાં ઉમેરા તરીકે જોવામાં આવે છે. બીજી બાજુ, જો છોકરી પાતળી હોય, તો તે ગરીબ અને કમનસીબ માનવામાં આવે છે.
નાનપણથી જ બળજબરીપૂર્વક અપાય છે વધુ ખોરાક
શરીરમાં ચરબી ભરવા માટે અહીં ફેટનિંગ ફાર્મ ચલાવવામાં આવે છે, જ્યાં છોકરીઓને 5- 7 વર્ષની નાની ઉંમરથી જ મોકલી દેવામાં આવે છે. આ ફાર્મમાં કામ કરતી મહિલાઓ તેમની પાસે આવતી યુવતીઓને સવારથી રાત સુધી બળજબરીથી ખવડાવે છે જેથી તેમનું વજન વધી શકે.
એક દિવસમાં 1000થી વધુ કેલરીયુક્ત અપાય છે ખોરાક
છોકરીઓને જાડી (ચરબીયુક્ત) બનાવવા માટે, તેમને દરરોજ ચોખા, ઓલિવ તેલ, ખજૂર,ગ્રૂએલ, બકરી અથવા ઊંટનું દૂધ આપવામાં આવે છે. ખાધા પછી છોકરીઓને આરામ કરવો પડે છે અને તે પછી તેમને ફરીથી ખોરાક આપવામાં આવે છે. તેમને વધારે શારીરિક પ્રવૃત્તિ કરવાની પણ મંજૂરી અપાતી નથી. એક દિવસમાં તેમને 1000 થી વધુ કેલરી આપવામાં આવે છે.
આ પરંપરાનું પાલન હવે ઘટી ગયું
મૌરિટાનિયા આરોગ્ય મંત્રાલયના એક અહેવાલ મુજબ, હવે બાબતોમાં ઘણો ફેરફાર થયો છે. ખૂબ ઓછા લોકો છે જે હજી પણ આ પરંપરાનું પાલન કરી રહ્યા છે. તેના બદલે, પુરુષો અને સ્ત્રીઓ બંને પાતળા અને સ્વસ્થ રહેવાનું પસંદ કરે છે.