નવી દિલ્હી : કોરોનાના કહેરે માયા મૂકી છે. ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસનો ચેપ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો છે. કોરોનાથી ચીનમાં અત્યાર સુધીમાં 213 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 9,692 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે. ઘણા દેશોએ તેમના નાગરિકોને ચીન ન જવાની સલાહ આપી છે, જ્યારે કેટલાક દેશોએ તેમની ચીન માટેની ફ્લાઇટ્સ રદ કરી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોનાને લઈને આંતરરાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે.
ચીનથી શરૂ કરીને, કોરોના વિશ્વના 18 કરતા વધુ દેશોમાં ફેલાયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ચીનની સિંહુઆ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું છે કે, ત્યાં અત્યારસુધીમાં 213 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 9,692 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે. ચીનનો હુબેઇ પ્રાંત કોરોનાનું કેન્દ્ર છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 204 લોકોનાં મોત નીપજ્યાં છે. પીટીઆઈ અનુસાર, વિશ્વભરના દેશોમાં વધી રહેલા ચેપને ધ્યાનમાં રાખીને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ કોરોના પર આંતરરાષ્ટ્રીય કટોકટી (ઇન્ટરનેશનલ ઈમરજેંસી)ની જાહેરાત કરી છે.