ન્યૂયોર્ક ઈતિહાસની સૌથી જોખમી મહામારી સામે લડી રહ્યું છે, અત્યાર સુધી ન્યૂયોર્કમાં 40 હજાર લોકો પોઝિટિવ નોંધાયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સ્થાનિક પ્રશાસને સેના બોલાવવી પડી છે. 100 થી વધારે અબજપતિઓ વાળા આ શહેરમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલમાં બેડ ઓછા પડવા લાગ્યા છે. પૂરતા વેન્ટિલેટર પણ નથી. અમુક હોસ્પિટલોમાં તો એક વેન્ટિલેટર પર બે લોકોને રાખવામાં આવે છે. એક ડોક્ટર માર્કો ગરોને ટ્વિટર પર આ પ્રમાણેના જ વેન્ટિલેટરની તસવીર શેર કરતા લખ્યું છે કે, હવે ડોક્ટર સામે એ સમસ્યા આવીને ઉભી થઈ છે કે વેન્ટિલેટરની સર્વિસ કોને આપવી અને કેવી રીતે. જ્યારે હકીકત એ છે કે, દરેક દર્દીને તેની જરૂર છે. આગામી સમયમાં સ્થિતિ વધારે ગંભીર થવાની છે. આ જ કારણથી ફૂડ અને ડ્રગ્સ પ્રશાસને ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લેવાતા સાધનો વેસ્પરને કોરોના દર્દીઓ માટે વાપરવાના શરૂ કર્યા છે. આ સાધનની મદદથી એક વેન્ટિલેટર પર ચાર દર્દીઓ શ્વાસ લઈ શકે છે. મુદ્દો માત્ર વેન્ટિલેટર સુધી સીમિત નથી. હોસ્પિટલોમાં બેડ, ડોક્ટર્સ, નર્સ અને મૂળભૂત સાધનોની પણ અછત થઈ ગઈ છે. મેડિકલ સપ્લાયની અછતના કારણે સ્વાસ્થય કર્મચારીઓને ફેસમાસ્ક રિસાઈકલ કરી તેનો ફરી ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. તેથી હવે અહીં અમુક લોકો કચરો નાખવાની બેગનો માસ્ક તરીકે ઉપયોગ કરી રહ્યા છે. અહીં સુધી કે ન્યૂયોર્કમાં હોસ્પિટલોમાં જ્યાં પણ જગ્યા દેખાય ત્યાં બેડ પાથરીને દર્દીની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. ન્યૂયોર્ક સ્ટેટ નર્સ એસોસિયેશનના ડિરેક્ટર પેટ કેને જણાવ્યું છે કે, સ્થિતિ એટલી ગંભીર છે કે તે કહી શકાય એમ નથી. હોસ્પિટલના દરેક ખૂણામાં પથારીઓ લગાવવામાં આવી રહી છે. અહીં સુધી કે હોસ્પિટલની આજુબાજુની જાહેર જગ્યાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી વધુને વધુ લોકોના જીવ બચાવી શકાય. બુધવાર-ગુરુવાર દરમિયાન કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે.