મેક્સિકોના સૌથી ખતરનાક ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો લશ્કરી કાર્યવાહીમાં ખાતમો – ૧૫ મિલિયન ડોલરનું હતું ઇનામ
મેક્સિકોના સંરક્ષણ મંત્રાલય (SEDENA) એ રવિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે ‘જેલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ’ (CJNG) ના સર્વેસર્વા નેમોસિયો રુબેન ઓસેગ્યુરા સર્વાન્ટેસ, જે વિશ્વભરમાં ‘એલ મેન્ચો’ તરીકે ઓળખાતો હતો, તે એક ભીષણ લશ્કરી કાર્યવાહીમાં માર્યો ગયો છે. ૫૯ વર્ષીય એલ મેન્ચોને પકડવા માટે અમેરિકાની એફબીઆઈ અને ડીઈએ જેવી એજન્સીઓએ ૧૫ મિલિયન ડોલર (આશરે ૧૨૫ કરોડ રૂપિયા) નું ઈનામ જાહેર કર્યું હતું.
ઓપરેશન તાપલપા: સેના અને કાર્ટેલ વચ્ચે આમને-સામને જંગ
આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પશ્ચિમી મેક્સિકોના જાલિસ્કો રાજ્યના તાપલપા શહેરમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેને CJNG નો ગઢ માનવામાં આવે છે. આર્મીની સ્પેશિયલ ફોર્સે રવિવારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. આ મિશનમાં આધુનિક ટેકનોલોજી અને એર સપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જ્યારે સેનાએ એલ મેન્ચોના ઠેકાણાને ઘેરી લીધું, ત્યારે કાર્ટેલના ગુંડાઓએ વિમાન વિરોધી લોન્ચર અને સશસ્ત્ર વાહનોથી હુમલો કર્યો હતો. આ અથડામણમાં સાત કાર્ટેલ સભ્યો માર્યા ગયા હતા અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. એલ મેન્ચો ગોળીબાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને મેક્સિકો સિટીમાં સારવાર માટે લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું.
કોણ હતો એલ મેન્ચો?
એલ મેન્ચોની ગુનાહિત સફર કોઈ ફિલ્મી પ્લોટ જેવી છે. તે એક સમયે મેક્સિકોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ બાદમાં તે માફિયા બની ગયો. તેણે CJNG ની સ્થાપના કરી અને તેને મેક્સિકોના સૌથી ક્રૂર સંગઠનમાં ફેરવી દીધું. આ સંગઠન માત્ર ડ્રગ્સની હેરાફેરી જ નહીં, પરંતુ માનવ અંગોની તસ્કરી અને પ્રતિસ્પર્ધી ટોળકીઓની નિર્મમ હત્યાઓ માટે પણ જાણીતું હતું. તેના પર અમેરિકામાં હજારો કિલો ફેન્ટાનાઇલ અને કોકેન મોકલવાનો આરોપ હતો.
મોત બાદ મેક્સિકો સળગ્યું: બદલાની આગ
જેવા એલ મેન્ચોના મોતના સમાચાર વાયુવેગે ફેલાયા, તેવા જ તેના કાર્ટેલના સભ્યોએ મેક્સિકોના ૯ થી વધુ રાજ્યોમાં હિંસા શરૂ કરી દીધી. ગુંડાઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા, સેંકડો બસો અને દુકાનોમાં આગ લગાવી દીધી અને વાહનો સળગાવ્યા. મેક્સિકોના અનેક શહેરોમાં અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જોકે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
અમેરિકાની ભૂમિકા અને વિશ્વ માટે જીત
આ ઓપરેશનની સફળતા પાછળ અમેરિકન ગુપ્તચર એજન્સીઓની મોટી ભૂમિકા રહી છે. યુએસ નોર્ધન કમાન્ડે ચોક્કસ લોકેશન અને ડેટા પૂરો પાડ્યો હતો જેના આધારે મેક્સિકન સૈન્ય આ ઘાતક પ્રહાર કરી શક્યું. અમેરિકાએ આ ઘટનાને “સમગ્ર વિશ્વ માટે મોટી જીત” ગણાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રના સતત દબાણ અને સહકારને કારણે મેક્સિકોએ આક્રમક વલણ અપનાવ્યું હતું.
એલ મેન્ચોનો અંત એ મેક્સિકોના ડ્રગ યુદ્ધમાં એક નવો વળાંક છે. જોકે તેનું મૃત્યુ સંગઠનમાં ભાગલા પાડી શકે છે, પરંતુ તેનાથી હિંસા અટકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. હાલમાં સમગ્ર મેક્સિકોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

