ભૂતપૂર્વ ખેલાડીનું નિવેદન: “ફિટનેસ પર વધુ ધ્યાન આપે તો રોહિત હજી 5 વર્ષ ભારત માટે રમી શકે”
ભારતીય ટીમના વરિષ્ઠ ઓપનર રોહિત શર્મા ભલે હાલ 38 વર્ષની ઉંમરે પહોંચી ગયા હોય, પરંતુ તેમના ભવિષ્ય વિશેના તારણો સામે હવે યોગરાજ સિંહના દાવા ચર્ચાનો વિષય બન્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે જણાવ્યું છે કે જો રોહિત પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપે તો તે 45 વર્ષની ઉંમર સુધી ભારત માટે એકદિવસીય ક્રિકેટ (ODI) રમી શકે છે.
” હજી 5 વર્ષ ભારત માટે રમી શકે છે”
એક તાજેતરના ઈન્ટરવ્યૂમાં યોગરાજે રોહિતના ટીકાકારોને આડે હાથ લેતાં કહ્યું કે રોહિતને હવે પણ ભારત માટે ઓછામાં ઓછા 5 વર્ષ રમવું જોઈએ. તેમણે ઉમેર્યું, “રોહિત શર્માની બેટિંગ એક અલગ સ્તરે છે. તેની ઇનિંગ્સ જોઈને લાગે છે કે બાકીની ટીમ અને બાકી દુનિયા બીજી તરફ છે. આમ ઉંચા સ્તરના ખેલાડીઓ વિશે ખોટું બોલવાનું બંધ કરો. આપણે રોહિતને હજી જોઈએ છે.”
ફિટનેસ પર ભાર: “દરરોજ 10 કિમી દોડવું જોઈએ”
યોગરાજે રોહિતને ફિટનેસ સુધારવા માટે કડક સલાહ આપી. તેમનું માનવું છે કે જો રોહિત રોજ 10 કિલોમીટર દોડે અને તેની પાછળ ફિટનેસ માટે એક ટીમ કામ કરે, તો તે લાંબો કારકિર્દી બનાવી શકે છે. “જો તે ઈચ્છે તો હજી સાત વર્ષ સુધી રમવા માટે સંપૂર્ણ લાયક છે,” તેમ યોગરાજે કહ્યું.
ઘરેલુ ક્રિકેટમાં સહભાગી થવા પર ભાર
યોગરાજે રોહિતને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની પણ સલાહ આપી અને કહ્યું કે, “ઘરેલુ ક્રિકેટ ખેલાડીની તાકાત અને ફિટનેસ માટે અત્યંત જરૂરી છે. ફાઇનલમાં રોહિતે મેન ઓફ ધ મેચ પુરસ્કાર જીત્યો એ વધુ કહ્યાની જરૂર નથી.”
ટીકાકારોને ઉપદેશ: “પહેલા પોતે રમી જુઓ”
અંતે યોગરાજે જણાવ્યું કે જો કોઈ રોહિતની રમત કે ફિટનેસ પર પ્રશ્ન ઉઠાવે છે, તો તેઓએ પહેલા પોતે કઈક હાંસલ કરેલું હોવું જોઈએ. “આવા મહાન ખેલાડી વિશે ખોટું બોલવું શરમજનક છે,” એમ તેમણે જણાવ્યું.