Central Government Scheme : આતંકવાદી હુમલાના પીડિત પરિવારને મળે છે કેટલી મદદ? જાણો યોજના કેવી રીતે કામ કરે છે
Central Government Scheme : આંતકવાદી હુમલા કે નક્સલવાદી હિંસાની કોઈ ઘટના થાય ત્યારે માત્ર માણસ જ નહિ, આખા પરિવાર પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. આવા કપરા સમયે સરકાર દ્વારા તેમના માટે ખાસ સહાયની વ્યવસ્થા કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે 2008થી એક ખાસ યોજના અમલમાં મૂકી છે – નાગરિક પીડિતોને સહાય માટે કેન્દ્રિય યોજના’ (Central Scheme for Assistance to Civilian Victims of Terrorism, Communal and Naxal Violence).
કેટલું મળે સહાય રૂપે?
જો કોઈ નાગરિક આતંકવાદી, નક્સલવાદી હુમલામાં જીવ ગુમાવે છે અથવા ૫૦ ટકાથી વધુ અપંગતાથી પીડિત થાય છે, તો તેમના પરિવારને ૩ લાખ રૂપિયાની નાણાકીય સહાય મળે છે.
જો આ ઘટના એવા વિસ્તારોમાં બને છે, જે ‘એસઆરઈ જિલ્લાઓ’ એટલે કે Specially Affected Naxal Areas તરીકે ઓળખાતા હોય, તો આ રકમમાં ૧ લાખ રૂપિયા ઉમેરી આપવામાં આવે છે. એટલે કે કુલ સહાય ૪ લાખ રૂપિયા થઈ શકે છે.
સહાયની રકમ સીધી નહી મળે
આ રકમ તાત્કાલિક રોકડ સ્વરૂપે નથી આપવામાં આવતી. આ પૈસા મૃતકના નજીકના સંબંધિત વ્યક્તિના નામે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાય છે. દરેક ત્રણ મહિનાએ તેના પર મળતું વ્યાજ પરિવારને મળતું રહે છે. ત્રણ વર્ષ પછી, આખી રકમ પરિવારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
જો પીડિતનો વારસદાર નાબાલગ હોય, તો તે ૧૮ વર્ષની ઉંમર સુધી રકમ મેળવવા પાત્ર નહીં હોય. પૈસા ત્યારે જ મળશે જ્યારે તે વયસ્ક બને.
ફોર્મ ભરવાની પ્રક્રિયા અને સમયમર્યાદા
પીડિત પરિવારજનો આ યોજના માટે ઘટનાની તારીખથી ત્રણ વર્ષની અંદર અરજી કરી શકે છે. અરજી સાથે પોલીસ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મેડિકલ પ્રમાણપત્ર અને બીજી આવશ્યક વિગતો રજૂ કરવાની હોય છે. ફોર્મ સ્થાનિક કલેક્ટર અથવા જિલ્લા મેજિસ્ટ્રેટના કચેરીએ જમા કરાવવાનું રહે છે.
અરજીઓની જિલ્લા સ્તરની સમિતિ દ્વારા છણાવટ થાય છે અને ત્યારબાદ ચુકવણીનો નિર્ણય લેવાય છે.
વિદેશીઓ અને એનઆરઆઈ પણ પાત્ર છે
આ યોજના ફક્ત ભારતીય નાગરિકો માટે મર્યાદિત નથી. જો કોઈ વિદેશી અથવા એનઆરઆઈ પણ ભારતમાં આવી હિંસાનો ભોગ બને છે, તો તેમના પરિવારોને પણ આ સહાય માટે પાત્ર માનવામાં આવે છે.
સાથે સાથે પીડિત પરિવારોને આરોગ્ય કાર્ડ પણ અપાય છે જેના થકી મફત સારવારની સવલત મળે છે. જો બાળકો હોય તો તેમને શિક્ષણ સહાય પણ આપવામાં આવે છે.
જેમ અન્ય યોજનાઓમાં શરતો હોય છે, તેમ આ યોજનામાં પણ એક સ્પષ્ટ શરત છે:
જો વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોય અથવા કાવતરાનો ભાગ હોય, તો તેમના પરિવારને સરકાર કોઈપણ પ્રકારની સહાય નહીં આપે.
આંતકવાદી હુમલાઓનું દુઃખદ નુકસાન ક્યાંય ભરાઈ શકતું નથી, પરંતુ સરકારની આ યોજનાનો હેતુ પીડિત પરિવારને ન્યાય અને માનવીય સહારો આપવાનો છે.