Kasturba Poshan Sahay Yojana: સગર્ભા છો? તો આ યોજના તમારા માટે ખાસ છે
Kasturba Poshan Sahay Yojana: ભારતના ભવિષ્ય તરીકે ઓળખાતા બાળકોનો આરોગ્યપૂર્ણ વિકાસ મહત્ત્વનો છે. બાળકના જન્મ પહેલા અને પછીના આરોગ્ય માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. એવી એક મહત્વપૂર્ણ યોજના છે કસ્તુરબા પોષણ સહાય યોજના, જે ખાસ કરીને ગરીબી રેખા હેઠળની સગર્ભા મહિલાઓ અને તેમના બાળકો માટે કાર્યરત છે.
કયાં મળે છે લાભ?
ગુજરાત રાજ્યમાં અમલમાં રહેલી આ યોજના હેઠળ સગર્ભા મહિલાને કુલ ₹6000 ની સહાય આપવામાં આવે છે. બાળકના સંપૂર્ણ રસીકરણ પૂરું ન થાય ત્યાં સુધી વિવિધ તબક્કામાં આ સહાય મળતી રહે છે.
સહાય કઈ રીતે મળે છે?
1. પ્રથમ તબક્કો (ગર્ભાવસ્થા દરમિયાન):
ગર્ભાવસ્થાના પ્રથમ છ મહિના દરમિયાન “મમતા દિવસ” પર FHW (ફિમેલ હેલ્થ વર્કર) પાસે નોંધણી કરાવ્યા બાદ ₹2000 ની સહાય આપવામાં આવે છે.
2. બીજા તબક્કો (પ્રસુતિ સમયે):
ચિરંજીવી યોજના અથવા સરકારી દવાખાનામાં પ્રથમ અઠવાડિયામાં પ્રસુતિ થયા પછી વધુ ₹2000 ની સહાય મળતી હોય છે.
3. ત્રીજો તબક્કો (બાળકના રસીકરણ બાદ):
બાળકના જન્મ પછી નવથી 12 મહિનાની અંદર ઓપીવી (મોઢાની પોલિયો રસી), ઓરી અને વિટામિન A આપવામાં આવે ત્યારે અને સંપૂર્ણ રસીકરણ પૂરું થયા બાદ વધારાના ₹2000 મળે છે.
સહાય કોને મળે?
શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એવી સગર્ભા મહિલાઓને જ આ યોજના હેઠળ લાભ મળે છે જે BPL (ગરીબી રેખા નીચે) કેટેગરીમાં આવે છે.
દરેક સગર્ભા મહિલાને મહત્તમ ત્રણ બાળકો સુધી આ યોજના લાગુ પડે છે.
સહાય ક્યાં જમા થાય છે?
આ તમામ રકમ લાભાર્થીના બેંક ખાતા અથવા પોસ્ટ ઓફિસ ખાતામાં સીધી જમા કરવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.
અમલમાં કોનો ફાળો?
આ યોજનાનું સફળ અમલીકરણ કરવા માટે અનેક આરોગ્ય વિભાગો સંકળાયેલા છે જેમ કે આશા વર્કરો, FHWs, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા વગેરે. વધુ માહિતી માટે કોઈ પણ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આશા વર્કરનો સંપર્ક કરી શકાય છે.