દેશભરમાં ₹1.82 લાખ કરોડ અનક્લેમ્ડ: ‘તમારા પૈસા, તમારો અધિકાર’ અભિયાનનો ગાંધીનગરથી શુભારંભ
ભારતના નાગરિકોની મહેનતની કમાણી, જે દાવો ન કરાયેલી સંપત્તિ (Unclaimed Assets) તરીકે વિવિધ નાણાકીય સંસ્થાઓમાં પડી રહી છે, તે પરત કરવાના મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે આજે એક રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનજી ની અધ્યક્ષતામાં અને ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં ‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ આ ઝુંબેશની શરૂઆત ગુજરાતની રાજધાની ગાંધીનગર થી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ એ અભિયાનની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કેન્દ્રીય નાણા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ ઝુંબેશનો સરળ પણ શક્તિશાળી સંદેશ છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને સન્માન સાથે પરત મળવો જોઈએ.
કુલ ₹૧.૮૨ લાખ કરોડની રકમ અનક્લેમ્ડ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનના જણાવ્યા અનુસાર, દેશભરમાં વિવિધ નાણાકીય ક્ષેત્રોમાં કરોડો રૂપિયાની રકમ અનક્લેમ્ડ પડી છે, જે સામાન્ય પરિવારોની મહેનતથી કમાયેલી માહામૂલી મૂડી છે.
નાણા મંત્રીએ કહ્યું કે આ રકમ પરત કરવામાં આવે તો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખૂબ મોટો ફાયદો થશે અને તેમની શિક્ષણ, આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બનશે.
અભિયાનના માર્ગદર્શક સિદ્ધાંતો: ‘3 A’s’
કેન્દ્રીય નાણા મંત્રીએ આ અભિયાનના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે “3 A’s” – જાગૃતિ, સુલભતા અને કાર્યવાહીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
- જાગૃતિ (Awareness): દરેક નાગરિક અને સમુદાયને દાવો ન કરાયેલ સંપત્તિઓ કેવી રીતે શોધી શકાય તે વિશે માહિતગાર કરવાનો.
- સુલભતા (Accessibility): સરળ ડિજિટલ સાધનો અને જિલ્લા-સ્તરીય આઉટરીચ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
- કાર્યવાહી (Action): સમયબદ્ધ અને પારદર્શક દાવાની પતાવટ પર ભાર મૂકવો.
આ ત્રણ સ્તંભો નાગરિકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરશે, જેથી દરેક વ્યક્તિ ગૌરવ અને સરળતા સાથે તેમની યોગ્ય બચત પરત મેળવી શકશે.
ગુજરાતને આશીર્વાદરૂપ: ₹૨,૭૩૫ કરોડ પરત મળશે
ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાંથી શરૂ કરાયેલું આ અભિયાન દેશના નાનામાં નાના માણસ માટે આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થશે.
- ગુજરાતનો હિસ્સો: કનુભાઈ દેસાઈએ માહિતી આપી કે ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં અંદાજે ₹૨,૫૦૦ કરોડ તેમજ વીમા કંપનીઓમાં અંદાજે ₹૨૩૫ કરોડ ની રકમ અનક્લેમ્ડ પડી છે.
- વિશેષ અભિયાન: આ અભિયાન થકી આ નાણાં તેમને પરત કરવામાં આવશે. ગુજરાત સરકારના તમામ વિભાગોમાં વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને તેમના ઘર સુધી તેમના હક્કના નાણાં પહોંચાડવામાં આવશે.
- મંત્રી દેસાઈએ કહ્યું કે આ નાણાં પરિવારોના શિક્ષણ, આરોગ્ય સહિતના વિકાસ કામો માટે ઉપયોગી થશે, જેના પરિણામે જીવન ધોરણમાં નોંધપાત્ર બદલાવ આવશે.
અભિયાનની સમયરેખા અને જોડાણ
આ ઝુંબેશ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ એમ ત્રણ માસ દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવશે. નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા સંકલિત આ ઝુંબેશમાં RBI, SEBI, IRDAI, PFRDA, અને IEPFA સહિત તમામ મોટી નાણાકીય સંસ્થાઓ એક સામાન્ય પ્લેટફોર્મ પર જોડાયા છે.
કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય નાણા મંત્રીએ KYC અને RE-KYC ઝુંબેશ માં પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ખાસ કરીને ગુજરાત ગ્રામીણ બેંક ની સક્રિય ભૂમિકાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે આ પ્રયાસોએ નાગરિકો અને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા વચ્ચેનું જોડાણ મજબૂત બનાવ્યું છે.
કેન્દ્રીય નાણા મંત્રીસહિત મહાનુભાવોના હસ્તે બેંક, મ્યુચ્યુઅલ ફંડ, વીમા અને પેન્શન યોજનાઓ હેઠળ વિવિધ લાભાર્થીઓને તેમના નાણાં પરત આપવામાં આવ્યા હતા, જે આ ઝુંબેશના ધ્યેયનું પ્રતિક છે.